
મહેસાણા, 03 સપ્ટેમ્બર, 2026 (હિ.સ.) : ઊંઝા તાલુકામાં મહેસાણા-પાટણ જિલ્લાની સરહદ નજીક આવેલું કંથરાવી ગામ પોતાની 1200 વર્ષ જૂની ઐતિહાસિક ઓળખ સાથે આજે પણ સેવાભાવ અને સામૂહિક એકતાની પરંપરા જાળવી રહ્યું છે. ગામની ધાર્મિક આસ્થા, પ્રાચીન જળવ્યવસ્થા અને માનવસેવાની પ્રવૃત્તિઓ તેને આગવી ઓળખ અપાવે છે.
કંથરાવીની સૌથી મોટી વિશેષતા છેલ્લા 20 વર્ષથી અવિરત ચાલતું અન્નક્ષેત્ર છે. અહીંથી આસપાસના અંદાજે 22 ગામોના શ્રદ્ધાળુઓ અને જરૂરિયાતમંદો સુધી ઘરે-ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત વર્ષમાં બે વખત સમગ્ર ગામ એકસાથે બેસીને સામૂહિક ભોજન કરે છે.
ગામના પૂર્વ ભાગે આવેલું પ્રાચીન હિંગળાજ માતાનું મંદિર પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. લોકમાન્યતા મુજબ સંવત 1547માં હિંગોળસિંહ વાઘેલાએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પરિવારમાં પ્રથમ સંતાનના જન્મ બાદ નવરાત્રિની આઠમના દિવસે માતાજીના દર્શન કરવાની પરંપરા પણ આજે જળવાઈ છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ નાથ સંપ્રદાયના કંથડનાથ મહારાજે ગામની સ્થાપના કરી હતી અને તેમના નામ પરથી કંથરાવી નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. ગામની આસપાસ સોફળ, ગોઢમ, પેપળિયા, આબા અને પોપટ સહિત અનેક તળાવો તેમજ કૂવાઓ આવેલા છે. પ્રાચીન વારસા સાથે સેવાભાવને જાળવી કંથરાવી આજે પણ અનોખું ઉદાહરણ બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR