
વલસાડ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ઉમરગામ તાલુકાના મોહનગામ ફાટક નજીક સહયોગ હોટલના પાર્કિંગમાંથી એક મરૂન રંગના આઈશર ટેમ્પોમાં ચોરીછૂપીથી લઈ જવાતો રૂ.17.17 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી દરમિયાન ટેમ્પોના હૂડના ભાગે બનાવવામાં આવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 4,632 ટીન-બોટલો મળી આવી હતી. દારૂનો જથ્થો કુલ 1,440.240 લીટર હોવાનું સામે આવ્યું છે.
પોલીસે રૂ.10 લાખની કિંમતનો આઈશર ટેમ્પો સહિત કુલ રૂ.27.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટેમ્પોના આગળના ભાગે ખોટો નંબર MH-03-FC-1390, જ્યારે પાછળ સાચો નંબર MH-03-FC-1391 લગાવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર મામલે ટેમ્પોના અજાણ્યા ચાલકને વોન્ટેડ આરોપી જાહેર કરી ભિલાડ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ભિલાડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
LCBની આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. પરમાર અને ટીમે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha