

પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના તાવડીયા ચોકડી પર મોડી રાત્રે સાયલો ટ્રક સર્કલ પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. મહેસાણા-પાલનપુર હાઇવે પર રાત્રે આશરે 1 વાગ્યે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, ટ્રકની ટક્કરથી સર્કલ અને ડિવાઈડરને નુકસાન પહોંચ્યું હતું. ટ્રક સિદ્ધાર્થ હોટલ નજીકના સર્કલ સાથે અથડાતાં જોરદાર અવાજ થતાં આસપાસના લોકો અને વાહનચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મોડી રાત્રે સર્કલ પર વાહનો અને રાહદારીઓની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી.
પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, બેદરકારીપૂર્વક ટ્રક ચલાવવાના કારણે અકસ્માત થયો હોવાની આશંકા છે. પોલીસે ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં સર્કલને થયેલા નુકસાન અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ