
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) રાજધાની દિલ્હીમાં ટ્રાફિકના બહેતર વ્યવસ્થાપન અને તેમાં સુધારા માટે કેન્દ્ર સરકારે ‘ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ’ને મંજૂરી આપી છે. આનાથી દિલ્હીના 2,242 મહત્વપૂર્ણ ટ્રાફિક કોરિડોરનું વાસ્તવિક સમયમાં વ્યવસ્થાપન થશે. આ માટે 1,789.52 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ બુધવારે આ આશયના પ્રસ્તાવને મંજૂરી આપી. જ્યારે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે, રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં મંત્રીમંડળના નિર્ણયોની જાણકારી આપી.
આ અંતર્ગત એઆઇનો ઉપયોગ કરતા, ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે. આ સિગ્નલ ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક લાઇટના સમયને બદલશે. કટોકટીના વાહનોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ વ્યવસ્થાની વિશેષતા એ હશે કે તેનાથી ટ્રાફિક જામ અને કોઈપણ પ્રકારના માર્ગ અકસ્માતની ઝડપી ઓળખ શક્ય બનશે. આનાથી વાહનચાલકોને ટ્રાફિક વિશે સમયસર માહિતી મળશે અને તેમને ડાયવર્ઝન કે પાર્કિંગની પણ જાણકારી આપવામાં આવશે.
આ પરિયોજનામાં 1,092 અનુકૂલનશીલ ટ્રાફિક નિયંત્રણ પ્રણાલીઓ અને 1,029 અમલીકરણ સ્થળોનો સમાવેશ થશે. અમલીકરણ પ્રદર્શન-આધારિત હશે, જેમાં દરેક તબક્કાને નિર્ધારિત પરીક્ષણ, ચાલુ કરવા, સ્વીકૃતિ અને પ્રદર્શન માપદંડોના આધારે પાછલા તબક્કાના મૂલ્યાંકન પછી જ શરૂ કરવામાં આવશે. તેને આગામી 2 વર્ષમાં ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે જેમાં 5 વર્ષનું સંચાલન અને જાળવણી શામેલ હશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ