
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, ફર્જી કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) દાન કેસમાં બુધવારે દેશના ચાર રાજ્યોમાં આઠ ઠેકાણાં પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ઇડીના મુંબઈ પ્રાદેશિક કાર્યાલયની ટીમ મહારાષ્ટ્રમાં 5, પશ્ચિમ બંગાળમાં 1, ગુજરાતમાં 1 અને દિલ્હી-એનસીઆરમાં 1 સ્થળે તલાશી લઈ રહી છે. આ કાર્યવાહી ડો. ધર્મેન્દ્ર કુમાર અને અન્ય વિરુદ્ધ નોંધાયેલા કેસમાં કરવામાં આવી રહી છે.
ઇડીની તલાશીમાં બજાર સંચાલકો, ટ્રસ્ટીઓ અને વચેટિયાઓ સાથે સંકળાયેલા પરિસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સી અનુસાર, અત્યાર સુધીની પ્રારંભિક તપાસમાં સેંકડો કરોડ રૂપિયાનું કથિત ફર્જી સીએસઆર નેટવર્ક સામે આવ્યું છે. આ નેટવર્ક દ્વારા ફરજિયાત સીએસઆર યોગદાનની રકમને કમિશન લઈને સંબંધિત કંપનીઓ કે દાતાઓને પાછી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન ઇડીને એવા ટ્રસ્ટોની રચના વિશે માહિતી મળી છે, જેમને કથિત રીતે સીએસઆર રકમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા અને અંતે દાતાઓને પાછી મોકલવા માટે ખાસ બનાવવામાં આવ્યા હતા. એજન્સી અનુસાર, આ ટ્રસ્ટો દ્વારા સીએસઆરના નામે આપવામાં આવેલી રકમને કમિશન કાપીને પાછી દાતાઓને પહોંચાડવામાં આવતી હતી.
ઇડી અનુસાર, તલાશીના દાયરામાં આ કથિત નેટવર્ક સાથે સંકળાયેલા બજાર સંચાલકો, ટ્રસ્ટીઓ અને વચેટિયાઓનો સમાવેશ થાય છે. આ પરિસરોમાંથી મળેલા દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં આવી રહી છે. ઉપકરણોની ફોરેન્સિક તપાસ અને તેમાંથી પ્રાપ્ત માહિતીના આધારે કેસમાં આગળની કડીઓ જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઇડીએ જણાવ્યું છે કે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ અને કેસમાં આગળની પૂછપરછ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ