
કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સરકારી યોજનાનો લાભ છેવાડાના પરિવાર સુધી પહોંચ્યો, DBTથી સીધી બેંકમાં સહાય મળતાં સગર્ભા માતાને મળી આર્થિક રાહત
ભુજ તાલુકાના ભારાસર ગામની સહેનાજબેન નજીર થેબા માટે સરકારી યોજનાઓ માત્ર સહાયનું માધ્યમ નહીં, પરંતુ માતૃત્વની સફરમાં મુશ્કેલ સમયમાં મળેલો મહત્વનો આધાર બની છે. સગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકને પૂરતું પોષણ મળી રહે તેમજ આર્થિક ચિંતાનો બોજ હળવો થાય તે હેતુથી અમલમાં રહેલી નમોશ્રી યોજના અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના થકી સહેનાજબેનને સરકારી સહાયનો લાભ મળ્યો છે.
માતા અને બાળકનું સ્વાસ્થ્ય જ પરિવારના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. આ દિશામાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ માતૃત્વ અને પોષણલક્ષી યોજનાઓનો લાભ હવે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાભાર્થી પરિવારો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. ભારાસર ગામની સહેનાજબેનનો અનુભવ આ પ્રકારની સરકારી સહાય કેવી રીતે પરિવાર માટે ઉપયોગી બની શકે તેનું ઉદાહરણ પૂરું પાડે છે.
સહેનાજબેનના જણાવ્યા મુજબ, નજીકના પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આરોગ્યકર્મીઓ પાસેથી તેમને નમોશ્રી યોજના તેમજ માતૃવંદના યોજના અંગે માહિતી મળી હતી. યોજનાની પાત્રતા અને પ્રક્રિયા અંગે જાણકારી મળ્યા બાદ તેમણે જરૂરી કાર્યવાહી કરીને લાભ માટે અરજી કરી હતી. ત્યારબાદ મળેલી આર્થિક સહાયનો ઉપયોગ તેમણે પોતાના તેમજ પુત્રીના પોષણયુક્ત આહાર માટે કર્યો હતો.
સરકારી સહાય સીધી બેંક ખાતામાં જમા થતી હોવાથી યોજનાના લાભ મેળવવાની પ્રક્રિયા પણ તેમના માટે સરળ રહી છે. DBT મારફતે રકમ સીધી ખાતામાં પહોંચતાં વચેટિયાની જરૂરિયાત રહેતી નથી અને લાભાર્થીને સહાય સમયસર પ્રાપ્ત થાય છે.
સહેનાજબેનનું કહેવું છે કે ગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મ બાદના રસીકરણ સુધી આરોગ્ય તંત્ર અને સરકારી યોજનાઓનો સહયોગ મળવાથી તેમને મોટી રાહત અનુભવાઈ છે. તેમના મતે, આવી યોજનાઓ માતા અને બાળકના આરોગ્યની સાથે પરિવારની આર્થિક સુરક્ષાને પણ મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પહોંચતી આવી સરકારી સહાયથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં માતૃત્વ અને બાળ આરોગ્યને નવી દિશા મળી રહી છે. સહેનાજબેનની સફર એ વાતને ઉજાગર કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને સરકારી યોજનાનો લાભ મળે તો માતા અને બાળક બંને માટે વધુ સુરક્ષિત અને પોષણસભર ભવિષ્યનો પાયો નાંખી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar