શૌચાલય બન્યું તો માંજુવાસના ભીખાલાલભાઈના પરિવારની વર્ષોની મુશ્કેલી થઈ દૂર, દિવ્યાંગ દીકરીને મળી સુરક્ષા અને સન્માન
કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : રાપર તાલુકાના માંજુવાસ ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) બની પરિવાર માટે સહારો : ઘરમાં જ શૌચાલયની સુવિધા મળતાં ખુલ્લામાં જવાની મજબૂરીમાંથી મળી મુક્તિ સ્વચ્છતા માત્ર સ્વસ્થ જીવન માટે જ નહીં, પરંતુ પરિવારના સન્માન, સુરક્
મંજુવાસ શૌચાલય લાભાર્થી


કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : રાપર તાલુકાના માંજુવાસ ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) બની પરિવાર માટે સહારો : ઘરમાં જ શૌચાલયની સુવિધા મળતાં ખુલ્લામાં જવાની મજબૂરીમાંથી મળી મુક્તિ

સ્વચ્છતા માત્ર સ્વસ્થ જીવન માટે જ નહીં, પરંતુ પરિવારના સન્માન, સુરક્ષા અને સુવિધા સાથે પણ જોડાયેલી છે. ગામડાંના પરિવારોને ઘરની નજીક જ સ્વચ્છ અને સુરક્ષિત શૌચાલયની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત હાથ ધરાયેલા પ્રયાસો અનેક પરિવારો માટે પરિવર્તનનું કારણ બની રહ્યા છે. રાપર તાલુકાના માંજુવાસ ગામમાં રહેતા ભીખાલાલભાઈના પરિવારની જિંદગીમાં પણ આ યોજનાના કારણે આવો જ સકારાત્મક બદલાવ આવ્યો છે.

માંજુવાસમાં ભીખાલાલભાઈના પરિવાર પાસે અગાઉ પોતાના ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ નહોતી. પરિણામે પરિવારના સભ્યોને રોજિંદી જરૂરિયાત માટે ખુલ્લી જગ્યાનો આશરો લેવો પડતો હતો. ખાસ કરીને મહિલાઓ અને પરિવારની ૧૦ વર્ષની દિવ્યાંગ દીકરી માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહેતી હતી. ચોમાસા દરમિયાન વરસાદ અને કાદવ વચ્ચે બહાર જવાની ફરજ પડતી હોવાથી પરિવારની મુશ્કેલીમાં વધુ વધારો થતો હતો.

આ દરમિયાન ભીખાલાલભાઈને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ વ્યક્તિગત શૌચાલય માટે મળતી સરકારી સહાય અંગે માહિતી મળી હતી. તેમણે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને અરજી કરતાં પરિવારને યોજનાનો લાભ મળ્યો અને તેમના ઘરમાં વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું.

ઘરની અંદર જ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ થતાં પરિવારની દૈનિક જીવનશૈલીમાં નોંધપાત્ર રાહત આવી છે. હવે પરિવારના સભ્યોને ખુલ્લામાં જવાની મજબૂરી રહી નથી. ખાસ કરીને દિવ્યાંગ દીકરી માટે ઘરમાં જ શૌચાલય ઉપલબ્ધ થતાં તેની રોજિંદી મુશ્કેલીઓમાં ઘટાડો થયો છે. પરિવારને સ્વચ્છતા સાથે વધુ સુરક્ષા અને ગૌરવપૂર્ણ જીવન જીવવાની સુવિધા મળી છે.

આ અંગે ખુશી વ્યક્ત કરતાં ભીખાલાલભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ શૌચાલયના અભાવે પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને તેમની દિવ્યાંગ દીકરી માટે પરિસ્થિતિ મુશ્કેલ હતી. હવે સરકારની સહાયથી ઘરમાં જ શૌચાલય બનતાં મોટી સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. તેમણે આ સહાય બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.માંજુવાસનો આ પરિવાર સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત મળેલી સુવિધાથી માત્ર શૌચાલયથી નહીં, પરંતુ સ્વચ્છતા, સુરક્ષા અને સન્માન સાથે જીવન જીવવાની નવી સુવિધાથી જોડાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande