મુન્દ્રા પોર્ટ નજીક અકસ્માત બાદ બબાલ: શ્રમિકોનો ઉગ્ર વિરોધ, પથ્થરમારાથી વાહનોમાં તોડફોડ; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મુન્દ્રા પોર્ટ નજીક MPL કંપની પરિસરમાં શ્રમિકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચ્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને શ્રમિકો કંપની પરિસરમાં એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ
મુંદ્રા ખાતે મજૂરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન


મુંદ્રા ખાતે મજૂરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન


મુંદ્રા ખાતે મજૂરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન


કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મુન્દ્રા પોર્ટ નજીક MPL કંપની પરિસરમાં શ્રમિકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચ્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને શ્રમિકો કંપની પરિસરમાં એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન પથ્થરમારો થતાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી છે. પરિસ્થિતિ વણસતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કંપની પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ MPLમાં કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરતી ફેબટેક કંપની સાથે સંકળાયેલા એક કર્મચારી સાથે બસમાં સવાર થતી વખતે અકસ્માત સર્જાયો હતો. ચાલુ બસમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે કર્મચારી અકસ્માતગ્રસ્ત થતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ કર્મચારીની સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલું ઓપરેશન સફળ રહ્યું છે અને હાલ ઈજાગ્રસ્ત કર્મચારી હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

બીજી તરફ અકસ્માતની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા શ્રમિકોમાં રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં કર્મચારીઓ કંપની પરિસરમાં ભેગા થયા હતા અને અકસ્માતની પરિસ્થિતિ અંગે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન મામલો ઉગ્ર બનતાં પથ્થરમારો થયો હતો અને કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. અચાનક સર્જાયેલી આ સ્થિતિને પગલે કંપની પરિસરમાં તંગદિલીનો માહોલ ઊભો થયો હતો.

ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કંપની પરિસર અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ફેબટેક કંપની દ્વારા જણાવાયું છે કે ઈજાગ્રસ્ત કર્મચારીને જરૂરી તબીબી સહાય અને તમામ શક્ય સહકાર આપવામાં આવી રહ્યો છે. બસમાં ચડતી વખતે બનેલી ઘટનાની વિગતો તથા સમગ્ર પરિસ્થિતિ અંગે સંબંધિત સ્તરે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કંપનીએ કર્મચારીઓની સલામતીને પ્રાથમિકતા આપવાની અને સુરક્ષા સંબંધિત માર્ગદર્શિકાઓના પાલનને સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande