
કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લાના યુવક-યુવતીઓમાં રહેલી સર્જનાત્મકતા, કલાત્મક પ્રતિભા અને સાંસ્કૃતિક કૌશલ્યને ઉજાગર કરવા માટે ‘યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આયોજન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, કચ્છ દ્વારા આ ઉત્સવનું આયોજન કરાશે.
યુવા ઉત્સવનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને પોતાની કલા અને સર્જનાત્મક અભિવ્યક્તિ રજૂ કરવા માટે યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. આ માટે કચ્છ જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોને આવરી લેતી કુલ પાંચ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, કવિતાલેખન અને નુક્કડ નાટક જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓ પ્રથમ તબક્કે જિલ્લાકક્ષાએ યોજાશે અને ત્યારબાદ પસંદગી પામેલા પ્રતિભાશાળી સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની કલા રજૂ કરવાની તક મળશે.
યુવા ઉત્સવમાં ૧૫થી ૨૯ વર્ષના વયજૂથના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. ખાસ કરીને સંગીત, નૃત્ય, સાહિત્ય, ચિત્રકળા અને નાટ્યક્ષેત્રમાં રસ તથા પ્રતિભા ધરાવતા યુવાનો માટે આ આયોજન પોતાની ક્ષમતાને વ્યાપક સ્તરે રજૂ કરવાની મહત્વપૂર્ણ તક બની રહેશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક કલાકારો અને યુવા સ્પર્ધકોએ નિયત અરજી ફોર્મ મેળવી સમયમર્યાદામાં પોતાની એન્ટ્રી નોંધાવવાની રહેશે. અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ત્રીજો માળ, રૂમ નંબર ૪૧૧, કચ્છ ખાતેથી મેળવી શકાશે. ભરેલું અરજી ફોર્મ તમામ જરૂરી વિગતો સાથે તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, કચ્છ ખાતે મળી રહે તે રીતે મોકલવાનું રહેશે.
કચ્છના યુવાનોને પોતાની પ્રતિભા માટે મળેલી આ તકનો લાભ લઈ ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ પહોંચવાની તક સાથે યુવાનોને પોતાની કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને નવી ઓળખ આપવાનું આ આયોજન મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar