પુણાગામમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં ભીષણ આગ, નજીક પાર્ક કરેલી કારને નુકસાન
સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના પુણાગામ વિસ્તારમાં બોરડા ફાર્મ નજીક ગઈકાલે મોડી રાત્રે હોટ ફિક્સના પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકના કચરાને કારણે આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે વિસ્તાર
Massive Fire in Plastic Waste


સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના પુણાગામ વિસ્તારમાં બોરડા ફાર્મ નજીક ગઈકાલે મોડી રાત્રે હોટ ફિક્સના પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકના કચરાને કારણે આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ જતાં સ્થાનિકોમાં ભય અને ગૂંગળામણનો માહોલ સર્જાયો હતો.

આગની જ્વાળાઓ નજીક પાર્ક કરાયેલી એક કાર સુધી પણ પહોંચી હતી. ભારે ગરમીના કારણે કારના બમ્પર, લાઈટ અને અન્ય પ્લાસ્ટિકના કેટલાક ભાગોને નુકસાન થયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવવામાં આવતો હોવાની અગાઉ પણ સુરત મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ રહેણાંક વિસ્તારમાં વધુ ફેલાય તે પહેલાં કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોએ વેસ્ટ નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande