
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશનના ગુનામાં 20 વર્ષની સજા ભોગવી રહેલો અને વચગાળા જામીન રજા દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી ફરાર કેદી કલ્યાણસિંહ છોટેલાલ રાજાવતને પેરોલ/ફર્લો સ્કોડે મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને 30 સપ્ટેમ્બરે બાકીની સજા ભોગવવા માટે મહેસાણા જિલ્લા જેલમાં સોંપવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, કલ્યાણસિંહને 22 જુલાઈ 2023ના રોજ 14 દિવસની વચગાળા જામીન રજા આપવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2023ના રોજ જેલમાં પરત ફરવાનું હતું. જોકે, તે સમયસર પરત ન ફરતાં ફરાર થયો હતો. ત્યારથી પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.
દરમિયાન સ્કોડના ASI ચેતનકુમાર અને PC હિતેષકુમારને ટેકનિકલ સોર્સ મારફતે માહિતી મળી હતી કે કેદી ઇન્દોરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે. માહિતીના આધારે પોલીસ ટીમ 28 સપ્ટેમ્બરે ઇન્દોર પહોંચી હતી. સ્થાનિક પોલીસ, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતાં તે બિચોલી-મર્દાના વિસ્તારમાં આવેલી પ્રગતિ વિહાર સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ટીમે 29 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે સોસાયટીના ગેટ પરથી કલ્યાણસિંહને ઝડપી લીધો હતો. ત્યારબાદ 30 સપ્ટેમ્બરે તેને મહેસાણા જિલ્લા જેલમાં સોંપવામાં આવ્યો હતો. કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, ASI ચેતનકુમાર નટવરલાલ, PC હિતેષકુમાર સુરેશકુમાર અને PC સંજયભાઈ લાખાભાઈ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR