
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ઊંઝા તાલુકાના કરણપુર ગામે 30 સપ્ટેમ્બરે ‘આંગણાનો ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોના પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા સાથે આંગણવાડી કેન્દ્રોની સેવાઓ અંગે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરિભાઈ અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકો અને લાભાર્થીઓને મળતી વિવિધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓ સાથે સંવાદ કરી આંગણવાડીની કામગીરી અને સુવિધાઓ અંગે વિગતો મેળવી હતી. રાજ્યના મુખ્યમંત્રીના સંદેશનું પણ વાંચન કરવામાં આવ્યું હતું.
‘આંગણાનો ઉત્સવ’ અંતર્ગત કરણપુરના પોષણ ચેમ્પિયન જાહેર થયેલા બાળકોને ઇનામ, તાજા ફળો અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરોની કામગીરીને ધ્યાનમાં લઈ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. લાભાર્થીઓને ‘ટેક હોમ રાશન’ (THR) હેઠળ પોષણ કીટ પણ આપવામાં આવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર પાર્થ ઓઝા અને બાળ વિકાસ યોજના અધિકારી અમિષાબેન પટેલે પોષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, વિવિધ વિભાગોના કર્મચારીઓ, ICDS સુપરવાઇઝર, ગ્રામજનો અને મોટી સંખ્યામાં માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR