
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બુધવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી. આગામી 20 વર્ષ માટે ભૂગર્ભ ગટર લાઇનના આયોજનને પણ મંજૂરી આપવામાં આવી છે.
સામાન્ય સભામાં શહેરના તળાવો અને હવાની ગુણવત્તાના વ્યવસ્થાપન માટે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગે નિર્ણય લેવાયો હતો. ઉપરાંત શહેરની તમામ Sewage Pumping Stations (SPS)ને SCADA આધારિત Centralized Monitoring & Control System સાથે જોડવાની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત જાહેર હેતુ માટેની જમીન પર ફેન્સિંગ કરવાની કામગીરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિકાસ માટે જરૂરી મંજૂરી તેમજ DPR સહિતની કામગીરી અંગે નિર્ણય લેવાયો હતો. શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરથી અમદાવાદ-પાલનપુર હાઇવે સુધી રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટેની કામગીરીને પણ સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી.
સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયોમાં શહેરની ગટર વ્યવસ્થા, પર્યાવરણ વ્યવસ્થાપન, રમતગમતની સુવિધા અને વાહનવ્યવહાર સંબંધિત માળખાકીય વિકાસને લગતી કામગીરીનો સમાવેશ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR