
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) બેચરાજી પોલીસ મથક હેઠળના પ્રતાપનગર, રાંતેજ, ઇન્દ્રપ અને આકબા ગામની સીમમાં આવેલા ONGCના 8 તેલના કુવા (વેલ) પર અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ અને ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે ONGCના DGM પ્રોડક્શન ઓફિસર અભિજિત મનોરંજન ગજેન્દ્ર નારાયણદાસ કલિતાએ બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ 14 મે 2026ના રોજ પ્રતાપનગર સીમમાં આવેલા BE-265 વેલમાં ખામી સર્જાતા મેન્ટેનન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી. તે સમયે લોખંડની ચેનલ તૂટેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ કંપની દ્વારા બેચરાજી વિસ્તારના વિવિધ વેલની તપાસ હાથ ધરવામાં આવી હતી. 14 મે થી 10 સપ્ટેમ્બર દરમિયાનની તપાસમાં BE-122, BE-265, BE-266, BE-79, BE-182, BE-97, BE-148 અને BE-4 વેલમાં ગેરકાયદેસર પ્રવેશ અને તોડફોડ થયાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સોએ બેલ્ટ, VFD પેનલબોર્ડ, નટ-બોલ્ટ, લોખંડની ચેનલ, મોટર પુલી, ગિયર ઓઇલ અને વાયરિંગ સહિતના સાધનોને નુકસાન પહોંચાડ્યું હતું. ચોરી અને નુકસાનના કારણે ONGCને આશરે ₹3.36 લાખનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR