
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : વિજાપુર તાલુકાના રણાસણ ગામે 30 સપ્ટેમ્બરે ‘સુશાસનના 25 વર્ષ સેવા સંકલ્પ’ અંતર્ગત ICDS વિજાપુર ઘટક દ્વારા ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોના પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા સાથે આંગણવાડીની સેવાઓ અંગે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય સી.જે. ચાવડા, અગ્રણી હાર્દિક પટેલ, જિલ્લા સદસ્ય જીજ્ઞેશભાઈ પટેલ અને સરપંચ દીપકભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી કાર્યકરો, તેડાગરો, આશા વર્કરો, આરોગ્ય કર્મચારીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા.
આંગણવાડીની સેવાઓમાં કામગીરી કરનાર કાર્યકરો, તેડાગરો અને આશા વર્કરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ‘પોષણ ચેમ્પિયન’ બનેલા બાળકોને ઇનામ, ફળ અને સુખડીનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓને ‘ટેક હોમ રાશન’ (THR) હેઠળ પોષણ કીટ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે રંગોળી બનાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીના સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું.
લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમની જરૂરિયાતો અને પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ લાવવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR