
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : સતલાસણા તાલુકામાં સાબરમતી નદીના પટમાંથી રેતીના ગેરકાયદે ખનન અને વહન સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સતલાસણા મામલતદાર દીપિકા દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર અને ટીમે ધરોઈ રોડ પર ખનિજ વહન કરતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વિના અને ઓવરલોડ રેતી ભરેલા બે વાહનો ઝડપાયા હતા.
તપાસ દરમિયાન હાઇવા ટ્રક નંબર GJ-02-ZZ-5157માંથી આશરે 30.42 મેટ્રિક ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો. આ વાહનના માલિક તરીકે ચૌહાણ હેમેન્દ્રસિંહ સુરેશસિંહનું નામ સામે આવ્યું છે. જ્યારે અન્ય એક કિસ્સામાં ટ્રેક્ટર નંબર GJ-09-BN-9507માંથી આશરે 2.83 મેટ્રિક ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રેક્ટરના માલિક તરીકે ઠાકોર પારખાનજી માણકાજીનું નામ નોંધાયું છે.
તંત્રની ટીમે બંને વાહનોને રેતીના જથ્થા સહિત કબજે કરી આગળની કાર્યવાહી માટે સતલાસણા મામલતદાર કચેરી ખાતે ખસેડ્યા હતા. બંને વાહનોમાંથી કુલ 33.25 મેટ્રિક ટન રેતી મળી આવી હતી. વાહનોના પાસ-પરમિટ અને જથ્થાની ચકાસણી દરમિયાન નિયમોના ભંગની વિગતો સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR