
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : વિજાપુર તાલુકાના ફુદેડા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોને ફળ, સુખડી અને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોષણ ચેમ્પિયન બાળકો તેમજ આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કર બહેનોનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમમાં તાલુકા સદસ્ય નેહાબેન સુથાર, ICDS પ્રોગ્રામ ઓફિસર પી.ડી. નાયક, બાળ વિકાસ યોજના અધિકારી ગઝલ દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ચેતન પ્રજાપતિ, સરપંચ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને આંગણવાડી સ્ટાફ સાથે સંવાદ કરી આંગણવાડી સેવાઓ અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બાળકોમાં પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધારવા માટે પોષણના ધોરણોમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને ‘પોષણ ચેમ્પિયન’ તરીકે પસંદ કરી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી અને આશા કાર્યકરોને તેમની કામગીરી બદલ પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખે ફુદેડા ગામના બંને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી સેવાઓ, પૌષ્ટિક આહાર અને અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી તેમજ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR