

પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવામાટે તા.29 સપ્ટેમ્બરના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કોસ્ટલ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા અને પોલીસની સતર્કતા ચકાસવામાં આવી હતી.
પોલીસ મહાનિર્દેશકની દરિયાઈ સુરક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સુરક્ષા અંગે મોકડ્રિલ યોજવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ આ મોકડ્રિલ યોજવામાં આવી હતી. મોકડ્રિલ દરમિયાન રેડફોર્સ ટીમ દ્વારા દરિયાઈ માર્ગેથી લેન્ડ થઈ જાનમાલને નુકસાન પહોંચાડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મોકડ્રિલ અંતર્ગત રેડ ફોર્સ ટીમ દ્વારા દરિયાઈ માર્ગેથી ઘૂસણખોરી કરી પોરબંદર જિલ્લામાં આશરે 150 કિલોમીટર દરિયાકાંઠે પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી મોકડ્રિલની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી હતી.
મોકડ્રિલનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ કે ઘૂસણખોરી થાય ત્યારે પોલીસ તંત્ર કેટલી ઝડપથી પ્રતિસાદ આપી શકે છે તેની ચકાસણી કરવાનો હતો. SOG ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કવાયત દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સતર્કતા પણ તપાસવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya