રાજકોટનો સદભાવના આશ્રમ 20 દિવસમાં બળદોથી હાઉસફૂલ,ઘાસચારાના અભાવે રડતા ખેડૂતોની લાઈનો લાગી
રાજકોટ,30 સપ્ટેમ્બર (હિ.સ.) હાલમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.10% વરસાદની ઘટ છે. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.પરિણામે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. ખેડૂતો વા
Rajkot's Sadbhavna Ashram filled with bulls in 20 days, farmers lined up crying due to lack of fodder


Rajkot's Sadbhavna Ashram filled with bulls in 20 days, farmers lined up crying due to lack of fodder


રાજકોટ,30 સપ્ટેમ્બર (હિ.સ.) હાલમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.10% વરસાદની ઘટ છે. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.પરિણામે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. ખેડૂતો વાવણીમાં વિલંબ અને ફરીથી વાવણી જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતમાં ઓછા વરસાદને પગલે સર્જાયેલી દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે અબોલ જીવ અને ધરતીપુત્રો માટે કરુણ દૃશ્યો સર્જ્યા છે. લીલા ઘાસચારાનો 20 કિલોનો ભાવ 60થી સીધો ઉછળીને 140 થઈ જતાં પશુધનનો નિભાવ કરવો ખેડૂતો માટે અસંભવ બન્યો છે. બે બળદને સાચવવા માટે દરરોજ 300ના ખોરાકની જરૂર પડે છે, પરંતુ ખેતરમાં પાક નિષ્ફળ જતાં અને ઘરમાં એક રૂપિયો પણ ન બચતાં ખેડૂતો પોતાના જીવથી વ્હાલા બળદોને રડતાં-રડતાં આશ્રમમાં મૂકવા લાચાર બન્યા છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સદભાવના બળદ આશ્રમમાં છેલ્લા 20 દિવસમાં જ 2000 જેટલા બળદો આવી પહોંચતાં આશ્રમની 20 વીઘા જગ્યા ટૂંકી પડી છે અને 10 ઓક્ટોબર સુધી નવા બળદ સ્વીકારવાનું અસ્થાયી ધોરણે સ્થગિત કરવું પડ્યું છે.

આશ્રમમાં એક વૃદ્ધ અને બીમાર ખેડૂત જ્યારે પોતાના નાના વાછરડાને મૂકવા આવ્યા ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. શારીરિક અસ્વસ્થતા અને લાચારી વચ્ચે ગળગળા સાદે તૂટતા અવાજે પોતાની વેદના ઠાલવતાં તેમણે જણાવ્યું કે, આ વાછરડાને નાનો હતો ત્યારથી અમે ઉછેરીને મોટો કર્યો છે... મારી દીકરી પણ તેને વ્હાલથી હાંકતી અને સાચવતી હતી પરંતુ, છેલ્લા બે વર્ષથી મારી પોતાની તબિયત સારી રહેતી નથી, શરીરમાં અશક્તિ અને મગજની તકલીફના કારણે હું લાચાર બની ગયો છું.

ઘરમાં નીણ-પાણીનો મેળ પડતો નથી અને મારાથી હવે એની સેવા-ચાકરી થઈ શકે તેમ નથી. પોતાના જ હાથે સંતાનની જેમ ઉછેરેલા અબોલ જીવને દુષ્કાળ અને બીમારીના કારણે પારકા હાથમાં સોંપતી વખતે આ વૃદ્ધ ધરતીપુત્રની આંખોમાંથી ચોધાર આંસુ તમામ લોકોના કાળજાં ચીરી રહ્યા હતા.ખેડૂત પોતાની અશક્ત હાલતના કારણે રડતી આંખે બળદને આશ્રમ મૂકવા આવ્યો

દેવભૂમિ દ્વારકાના લાંબા ગામના ખેડૂત અરશીભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમારે ત્યાં વરસાદ ન હોવાથી ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી. આખો જિલ્લો આ મુશ્કેલી ભોગવી રહ્યો છે. અમે અમારા બળદોને વેચવા માંગતા નહોતા, જેથી 7000નું વાહન ભાડું ખર્ચીને દ્વારકાથી રાજકોટ આશ્રમમાં મૂકવા આવ્યા છીએ. જ્યારે સારો વરસાદ થશે અને ઘાસચારો થશે ત્યારે અમે અમારા બળદ પાછા લઈ જઈશું. ઉલ્લેખનીય છે કે, આશ્રમમાંથી બળદ કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં કે કતલખાને ન ધકેલાય તે માટે ખેડૂત હોવાનો પંચાયતનો દાખલો જોઈને જ પશુ પરત સોંપવામાં આવે છે.

આ વિષમ સ્થિતિ વચ્ચે માનવ અને અબોલ પશુ વચ્ચેના અખૂટ પ્રેમના હૃદયસ્પર્શી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એક વૃદ્ધ ખેડૂત પોતાના 16 વર્ષના સાથીદાર બળદને ઘાસચારાના અભાવે સદભાવના આશ્રમમાં મૂકી ગયા હતા પરંતુ, ઘરે પહોંચ્યા પછી તેમનાથી પશુનો વિયોગ સહન થયો નહોતો. માત્ર 24 કલાકની અંદર જ તેઓ ચોધાર આંસુએ રડતા-રડતા આશ્રમે પાછા દોડી આવ્યા હતા.

ખેડૂતે ગળગળા સાદે જણાવ્યું કે, 16 ધર આ બળદને મેં હાંક્યો છે... અઢી વર્ષનો હતો ત્યારથી જીવની જેમ રાખ્યો છે. મૂકી ગયા પછી બે દિવસથી મને અન્નનો દાણોય ભાવતો નથી. હું આના ઋણમાંથી કેમ છૂટીશ? હવે ભલે મારી વાલી વસ્તુ વેચવી પડે પણ હું આને નભાવીશ, હવે ક્યાંય નહીં મૂકું. આશ્ચર્યની વાત એ બની કે ખેડૂત જેવા આશ્રમના ડેલા પાસે પહોંચ્યા કે તરત જ તેમનો બળદ સામે આવીને ઊભો રહી ગયો હતો અને માણસની જેમ વાહનમાં સવાર થઈને માલિક સાથે ઘરે જવા રવાના થયો હતો.

સદભાવના બળદ આશ્રમના સંચાલક વિજય ડોબરીયાએ જણાવ્યું કે, આ આશ્રમ અમે વર્ષ 2020થી ચલાવીએ છીએ. અત્યાર સુધી 1500 બળદ હતા પરંતુ, છેલ્લા 15 દિવસમાં જ આ બળદની સંખ્યા વધીને 3500 થઈ ગઈ છે અને હજી પણ ખૂબ બળદો આવી રહ્યા છે. જેથી, અમે 100- 100 એકરની જગ્યાઓ તૈયાર કરીએ છીએ અને આ પરિસ્થિતિ જોતા ખૂબ મોટી સંખ્યામાં બળદો આવશે.

બળદ આશ્રમ શરૂ કરવા પાછળના વિચાર અંગે જણાવ્યું કે, ગૌશાળાઓ તો ઘણી બધી છે પરંતુ બળદને સાચવવાવાળું કોઈ નથી. આપણે કોઈની હરીફાઈ કરવા કરતા ઓપ્શન બનીએ એવું વિચારી કાલાવડ રોડ ઉપર ખીરસરા અને દેવગામની ધાર વચ્ચે 100 બળદ સાથે આ આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો. અહીંના વિશાલ માંગુકીયાએ મોટા પાયે આ કામ ઉપાડી લીધું છે. તેઓ બળદ આશ્રમ પોતાનો હોય તે રીતે ખૂબ મહેનત કરે છે અને 15 કલાક કામ કરે છે.

15-20 દિવસમાં જ 2 હજાર બળદ આવી ગયા

ગત વર્ષની પરિસ્થિતિ અંગે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી ખૂબ સારી સ્થિતિ હતી. જૂજ બળદ જ આવતા હતા. આ 5 વર્ષમાં માંડ 2000 બળદ આવ્યા હશે. બધા ખેડૂતો સાચવતા. કોઈક એવા ખેડૂત જ મૂકવા આવતા કે જેને પોતાને ખેતી ન હોય અથવા સિટીમાં રહેવા આવી ગયા હોય. જ્યારે અત્યારે જેને પોતાને ખેતી છે પણ કંઈ ઉત્પાદન નથી થયું એવા ખેડૂતો પણ બળદ મૂકવા આવે છે.

સંચાલકે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખેડૂતો વૃદ્ધ કે બીમાર પશુઓ મૂકવા આવતા પરંતુ, હાલની દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે અસલ ખેડૂતો પણ લાચાર બન્યા છે. છેલ્લા 15-20 દિવસમાં આવેલા 2000 બળદોમાં 15 ટકા જેટલા બળદ એકદમ યુવાન છે, જે ખેતરમાં ભરપૂર કામ આપી શકે તેમ છે. બજારમાં આવા બે બળદની જોડીની કિંમત 1 લાખથી વધુ હોય છે.

ખેડૂતો ગમે ત્યારે બળદ પાછા લઈ જઈ શકે છે

તેમણે જણાવ્યું કે, અહીં બળદ મૂકવા આવવાની કોઈ જ પ્રોસેસ નથી. ગમે તે ખેડૂત ગમે ત્યારે બળદ મૂકવા આવી શકે છે અને જ્યારે પણ જોઈએ ત્યારે પાછો લઈ જઈ શકે છે. જોકે, કોઈ વ્યક્તિ જ્યારે બળદ લેવા આવે ત્યારે તેને ખેતી છે એવો આધાર પુરાવો, ગ્રામ પંચાયત કે સરપંચનો દાખલો આપવાનો હોય છે, જેથી કોઈ નબળા વ્યક્તિના હાથમાં બળદ ન જાય કે કતલખાને બળદ ન ધકેલાય. 10 ઓક્ટોબર સુધી નવો આશ્રમ તૈયાર થાય છે એટલા દિવસ સુધી નવા બળદ લેવાનું બંધ છે પરંતું 10 ઓક્ટોબરથી ફરીથી બળદ લેવાનું શરૂ કરીશું.

એક બળદ દીઠ દૈનિક 100ના હિસાબે રોજના 3.50 લાખનો નિભાવ ખર્ચ થાય છે, જે સંપૂર્ણપણે દાતાઓ અને સહયોગીઓ તરફથી મળતા ઘાસચારાના દાનથી ચાલે છે. સ્થિતિની ગંભીરતા જોતાં જામનગર રોડ પર ખંઢેરી પાસે 30 વીઘા જગ્યામાં 5000 બળદ રહી શકે એવો નવો આશ્રમ તૈયાર થઈ રહ્યો છે, જે 11 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. આ ઉપરાંત ભવિષ્યમાં દિવાળી સુધીમાં 10,000થી વધુ બળદો આવવાની શક્યતાને પગલે સંસ્થા દ્વારા 100-100 એકરની નવી જગ્યાઓ તૈયાર કરવાની પણ કવાયત હાથ ધરાઈ છે.

બળદને ખૂબ બીમારી હોય છે, એને પણ કેન્સર હોય છે. બળદના શીંગ નમી ગયા હોય છે. અત્યારે જે બળદો છે એમાંથી 20% બળદ આ કેન્સરનો ભોગ બનેલા હોય છે. અમારે અહીં ડોક્ટરની મોટી ફોજ છે. હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર સહિતની બધી જ સુવિધાઓ છે. મહિને ઓછામાં ઓછા 25થી 30 ઓપરેશનો કેન્સર માટે થતા હોય છે.

અંતમાં જણાવ્યું કે, પહેલાં લીલો ઘાસચારો રૂ.60નો 20 કિલો આવતો હતો. જે અત્યારે રૂ.140નો 20 કિલો થઈ ગયો. જેથી, ભાવ અઢી-ત્રણ ગણા વધી ગયા છે. સરકાર સાથે સામાન્ય જનતાએ મદદ કરવી જોઈએ તો આ અબોલ જીવ બચી જાય. જેમ આપણને જીવવાનો અધિકાર છે એમ અબોલ જીવોનો પણ છે. ગાય, બળદ કે નંદી હોય આ બધાને સાચવવા જોઈએ અને એમાં બધાયે સહયોગ આપવો જોઈએ. નાનામાં નાનો માણસ પણ જો એક નંદી, એક ગાય કે એક બળદ માટે મદદ કરે તો ગુજરાતમાં રખડતા 8 લાખ જીવ સચવાઈ જાય

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande