

- લક્ષદ્વીપથી મુંબઈ જતા ઈરાની જહાજને મધદરિયે ઘેર્યું
અમદાવાદ,30 સપ્ટેમ્બર (હિ.સ.) અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 3000 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.
ગુજરાત એટીએસઅને કોસ્ટ ગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 526 કિલોથી વધુ એમડી ડ્રગ્સ અને મેથામ્ફેટામાઈનનો જથ્થો કબજે કર્યો છે. આ ડ્રગ્સ લઈને આવી રહેલા પાંચેય શખસ પેશાવર પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે.
આ ડ્રગ્સનો જથ્થો અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ લઈ જવાતો હતો તે પહેલાં જ એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. એટીએસએ પકડેલા ડ્રગ્સની કિંમત અંદાજિત 3 હજાર કરોડ જેટલી છે.
ગુજરાત એટીએસના ડીઆઇજી સુનિલ જોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સના કેસ વધુ થતાં ડ્રગ માફિયાઓ આ વખતે કોચી, લક્ષદ્વીપ અને મુંબઈ થઈ તમિલનાડુમાં બોટ દ્વારા ડ્રગ્સની ડિલિવરી કરવાના હતા, તે પહેલાં જ એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં લક્ષદ્વીપથી 160 નોટિકલ માઈલ અને મુંબઈથી 490 નોટિકલ માઈલ આ ડ્રગ્સનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો હતો.
છેલ્લા 15 દિવસથી ઓપરેશન ચાલી રહ્યું હતું. આ ઓપરેશન દરમિયાન દરિયામાં અનેક શંકાસ્પદ બોટ રોકીને તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ બોટને પણ રોકીને તપાસ કરતા તેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેની સાથે પાંચ પાકિસ્તાની નાગરિક પણ મળી આવ્યા હતા, જે તમામને મુંબઈના જેટી પર લાવી પંચનામુ કરાયું હતું.
તમિલનાડુમાં ડ્રગ્સ ઉતર્યા બાદ આ ડ્રગ્સ પંજાબમાં એક નાઈજીરિયન વ્યક્તિ ડિલિવરી લેવાનો હતો. જેની હાલ એટીએસ દ્વારા તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે ગુજરાત એટીએસમાં જ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુજરાત એટીએસ દ્વારા જ આ કેસની તપાસ કરવામાં આવશે.
અમદાવાદમાં નાઇજીરીયન માણસે કોઈ વ્યક્તિની મધ્યસ્થીથી ડ્રગ્સની લેવડદેવડ બાબતે મિટિંગ કરી હતી. જે મિટિંગમાં આઝાદ નામની ઈરાની બોટથી અંદાજિત 500 કિલો મેથામ્ફેટામાઇન તથા હેરોઇનનો જથ્થો મંગાવ્યો છે, જેના પૈસા પણ હવાલા મારફતે એડવાન્સમાં મોકલી દીધા હતા. આની ડિલિવરી મુંબઈ-કોચીન-લક્ષદ્વીપ નજીક ભારતીય જળસીમામાં એક તમિલનાડુની બોટમાં કરવાની છે.
ડ્રગ્સનો જથ્થો મોટી ક્વોન્ટીટીમાં હોવાથી બોટથી તમિલનાડુના દરિયાકાંઠે ઉતારી તેને અન્ય વાહન મારફતે ટુકડે ટુકડે પંજાબ ખાતે કોઈ નાઇજીરીયન વ્યક્તિને ડિલિવરી કરવાની હતી.
આ માલ ભારતના એક વોન્ટેડ આરોપી તથા હાજી સલીમ નામના ડ્રગ સ્મગ્લરે તેઓના માણસો મારફતે આઝાદ નામની ઈરાની બોટમાં આશરે પંદરથી વીસ દિવસમાં મોકલવાનું આયોજન કર્યું છે.જે બોટનો ટંડેલ સ્ટારલીન્ક ડિવાઇસનો ઉપયોગ કરવાનો છે. આ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ