જામનગર જિલ્લામાં ખેડૂતો હવે 'FSAS' એપથી ખાતરનું આગોતરું બુકિંગ કરાવી શકશે
જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા ખેડૂતોને સમયસર અને પારદર્શક રીતે સબસીડાઈઝ્ડ ખાતર ઉપલબ્ધ કરાવવા માટે ''FSAS'' સિસ્ટમ અમલી કરાઈ છે. આ નવીન ડિજિટલ વ્યવસ્થા હેઠળ ખેડૂતો પોતાના મોબાઈલ મારફતે ઘરબેઠા ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે. આ પગ
ખેડૂત


જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) :

ભારત સરકાર દ્વારા ખેડૂતોને સમયસર અને પારદર્શક રીતે સબસીડાઈઝ્ડ ખાતર ઉપલબ્ધ કરાવવા માટે 'FSAS' સિસ્ટમ અમલી કરાઈ છે. આ નવીન ડિજિટલ વ્યવસ્થા હેઠળ ખેડૂતો પોતાના મોબાઈલ મારફતે ઘરબેઠા ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે. આ પગલાથી જામનગર જિલ્લાના ખેડૂતોને ખાતર મેળવવામાં સરળતા રહેશે અને વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા વધશે.

જામનગર જિલ્લામાં ટૂંક સમયમાં શરૂ થનારી આ વ્યવસ્થા અંતર્ગત ખેડૂતો ખાતર વિક્રેતા કે સહકારી મંડળી ખાતે જતાં પહેલાં જ 'FFS' (Framework for Fertilizer Sale) મોબાઈલ એપ્લિકેશન દ્વારા આગોતરું બુકિંગ કરી શકશે. આ પૂર્વ બુકિંગ સુવિધાને કારણે ખેડૂતોને ખાતરના જથ્થાની ઉપલબ્ધતા વિશે અગાઉથી જ સચોટ માહિતી મળી રહેશે. જેનાથી ખાતર મેળવવા માટે લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે, ભીડમુક્ત વાતાવરણ ઊભું થશે અને ખેડૂતોનો કિંમતી સમય પણ બચશે.

આ ડિજિટલ સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે જિલ્લાના તમામ ખેડૂતોને પોતાની 'ફાર્મર રજીસ્ટ્રી' કરાવવા અને એપ્લિકેશન વિશે માહિતગાર થવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની અગવડ કે મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના ખાતર વિક્રેતાઓ, સહકારી મંડળીઓ તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા પૂરતું માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં આવશે. આ અંગે વધુ વિગતો માટે ખેડૂતોને નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande