
જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર જિલ્લામાંથી પસાર થતી પાવર ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે બજારભાવ આધારિત જમીનના નવા દર નક્કી થતાં હવે જંત્રીના સ્થાને બજાર કિંમત મુજબ મોટું વળતર પ્રાપ્ત થશે. કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલ માર્કેટ રેટ કમિટીની બેઠકમાં નવી પારદર્શક નીતિ મુજબ વળતરના દર આખરી કરાયા છે. આ નિર્ણયથી જિલ્લાના ખેડૂતોને જૂની જંત્રીની સરખામણીએ નોંધપાત્ર ગણું વધુ વળતર મળશે.
ટ્રાન્સમિશન લાઈનોને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને જંત્રી આધારિત વળતર આપવાથી ઓછી રકમ મળતી હોવાની રજૂઆતો થઈ હતી. જેથી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જુલાઈ ૨૦૨૬માં નવી બજાર કિંમત આધારિત વળતર ચૂકવણીની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. આ જોગવાઈ મુજબ ટાવર વિસ્તાર ઉપરાંત ૧ મીટર વધારાની જમીન ગણીને કુલ જમીન માટે બજાર ભાવના ૨ ગણી રકમ ચૂકવવામાં આવશે.
અસરગ્રસ્ત ખેડૂતોને લાભ આપવા માટે લાલપુર તાલુકાના કાનવીરડી ગામના સર્વે નંબરો માટે કલેક્ટર કચેરી ખાતે માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર, ખેડૂત અને ટ્રાન્સમિશન કંપનીના વેલ્યુઅરો દ્વારા રજૂ કરાયેલા મૂલ્યાંકનમાંથી લોટરી પદ્ધતિ દ્વારા ખેડૂત અને કંપનીના વેલ્યુઅરે નક્કી કરેલા દરને ધ્યાને લઈ જમીનની આખરી બજાર કિંમત નક્કી કરાઈ હતી.
આ નવી પદ્ધતિથી ખેડૂતોને અગાઉની સરખામણીએ ૩૦૦ થી ૬૦૦ ગણું વધુ વળતર મળશે. ઉદાહરણ તરીકે, કાનવીરડી ગામના સર્વે નંબર ૧૦૯ માં ૨૦૧૧ની જંત્રી મુજબ ચોરસ મીટરના રૂ. ૪૩ લેખે અગાઉ ખાતેદારને રૂ. ૪,૩૭,૬૯૯ નું વળતર મળતું હતું. તેની સામે નવી બેઠકમાં ચોરસ મીટરના રૂ. ૮૮૫ મંજૂર થતાં હવે આ જ ખાતેદારને રૂ. ૨૪,૩૩,૩૪૮ નું વળતર ચૂકવાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, ખેડૂતોના પ્રતિનિધિઓ તથા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt