જામનગર : શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં બાલાચડી ખાતે ૭૭ માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી
જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ૭૭ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ પર્યાવરણ જતન અને વૃક્ષારોપણની જરૂર
વન મહોત્સવ ની ઉજવણી


જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર જિલ્લાના બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ૭૭ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ પર્યાવરણ જતન અને વૃક્ષારોપણની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વન મહોત્સવ એ માત્ર એક દિવસીય વૃક્ષારોપણનો કાર્યક્રમ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના આપણા સંબંધને વધુ મજબૂત કરવાનો અને આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ તથા સ્વસ્થ ભવિષ્ય આપવાનો દ્રઢ સંકલ્પ છે. જામનગરની પર્યાવરણીય અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો ઉલ્લેખ કરી તેમણે કુદરતી વારસાના સંરક્ષણને સહુની સામૂહિક જવાબદારી ગણાવી હતી.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શરૂ થયેલી સાંસ્કૃતિક વનોની પરંપરા આજે પણ વટવૃક્ષ બનીને આગળ વધી રહી છે. રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે હાથ ધરાયેલ નમો વડ વન અને મિયાવાકી પદ્ધતિ આધારિત વન કવચ જેવા મહત્વપૂર્ણ પ્રકલ્પો ગુજરાતને વધુ હરિયાળું બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે, અને આ જ તર્જ પર હવે સમગ્ર રાજ્યમાં “મેગા વન કવચ”નું નિર્માણ કરવાની કામગીરી વેગવંતી બનાવાઈ છે. વૃક્ષારોપણને આવનારી પેઢી માટેનું શ્રેષ્ઠ રોકાણ ગણાવી તેમણે સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષોના ઉછેર અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવા આહ્વાન કર્યું હતું.

ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે, જેમાં ૧૦ ખાતાકીય અને ૬૩ વિકેન્દ્રિત પ્રજા નર્સરીઓમાં મળીને કુલ ૩૨.૨૦ લાખ ઔષધીય, સ્થાનિક, લુપ્ત થતી પ્રજાતિઓ તથા ફળાઉ અને ફૂલછોડના રોપાઓ વાવેતર અને વિતરણ માટે ઉછેરવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન જિલ્લાના ૨૫.૫૦ હેક્ટર વિસ્તારમાં ૨.૫૫ લાખ રોપાઓનું વાવેતર કરીને સફળતાપૂર્વક “વન કવચ”નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઉજવણી અંતર્ગત સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મનોરમ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને અધિકારીઓ દ્વારા શાળાના પટ્ટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક એસ. મનીશ્વર રાજા, નાયબ વન સંરક્ષક રાધિકા પરસાણા, પ્રિન્સિપલ ઉજ્વલ ગુરમૂડે, ધ્રોલ પ્રાંત અધિકારી ગૌતમ લોડલીયા સહિતના અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ, અધિકારીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande