જામનગર : દડિયા ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના દડિયા ગામ ખાતે બાગાયત ખાતા દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને સરકારની વિવિધ બાગાયતલક્ષી સહાય યોજનાઓથી મ
ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો


જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર તાલુકાના દડિયા ગામ ખાતે બાગાયત ખાતા દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને સરકારની વિવિધ બાગાયતલક્ષી સહાય યોજનાઓથી માહિતગાર કરવા તથા તેમને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો. દડિયા અને આસપાસના વિસ્તારોમાંથી ૧૦૦ થી વધુ અનુસૂચિત જાતિના બાગાયત ખેડૂતોએ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યાં નિષ્ણાતો દ્વારા બાગાયતી પાકો અને નવીન ખેત પદ્ધતિઓ અંગે સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાગાયત અધિકારીશ્રી વાય. એ. ડેર દ્વારા બાગાયતી પાકોના વાવેતર, કૃષિ યાંત્રીકરણ, રક્ષિત ખેતી, ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા નિર્માણ તેમજ સોર્ટિંગ-ગ્રેડિંગ યુનિટ માટે મળતી સરકારી સહાય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની વિશેષ લક્ષિત યોજનાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે બાગાયત ખેતી શ્રેષ્ઠ અને અત્યંત અસરકારક માર્ગ છે.

ત્યારબાદ બાગાયત અધિકારીશ્રી પી. એ. બારોટે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન તેમજ માનવ સ્વાસ્થ્ય પર થતી ગંભીર વિપરીત અસરો વિશે સમજણ આપીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. તેમણે ખેડૂતોને જૂથ બનાવીને બજારલક્ષી બાગાયત કરવા, ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી વધુ નફો મેળવવા અને ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) કે સ્વ-સહાય જૂથોના માધ્યમથી સંગઠિત થઈને ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના BTM શ્રી ફળદુ દ્વારા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક ખાતરો તથા કીટનાશકો ઘરે જ તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. તાલીમના અંતે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને શંકાઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande