હથિયાર સાથેની લૂંટ અને કર્ણાટકના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
વલસાડ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનના હથિયાર બતાવી લૂંટના ગુનામાં તેમજ કર્ણાટકના ઉડુપી જિલ્લાના સીરવા પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર કેસમાં વોન્ટેડ આરોપીને ઉમરગામ ખાતેથી ઝડપી પાડ્યો છે.
આરોપી સાથે પોલીસ ટીમ


વલસાડ, 04 સપ્ટેમ્બર (હિ.સ.)

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનના હથિયાર બતાવી લૂંટના ગુનામાં તેમજ કર્ણાટકના ઉડુપી જિલ્લાના સીરવા પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર કેસમાં વોન્ટેડ આરોપીને ઉમરગામ ખાતેથી ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે **વિપીન ઉર્ફે ગૌરવ પાઠક (ઉંમર 27 વર્ષ)**ને ઉમરગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી સામે 30 જાન્યુઆરી 2026ના રોજ ફણસા, ઉમરગામ ખાતે થયેલી લૂંટના ગુનામાં વોન્ટેડ હતો. આ ઘટનામાં ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ફરિયાદી અને પરિવારજનોને હથિયાર બતાવી ધમકી આપી સોનાના દાગીના, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.1.52 લાખની લૂંટ કરી ફરાર થયા હતા.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કથિત રીતે પોતાના અન્ય સાગરીતો સાથે કારમાં ભીલાડ હાઇવે તરફ આવી ફણસા ખાતે લૂંટને અંજામ આપ્યાની હકીકત જણાવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

વધુમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પકડાયેલ આરોપી કર્ણાટકના ઉડુપી જિલ્લાના સીરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર કેસમાં પણ વોન્ટેડ હતો. 7 ઓગસ્ટ 2026ના રોજ ઉડુપીના મુદુરંગડી ખાતે સેન્ટ ઝેવિયર્સ ચર્ચ નજીક સ્થાનિક નેતા ડેવિડ ડીસુઝા પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી.

આરોપીનો કબજો વધુ તપાસ માટે ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી એલ.સી.બી. વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. પરમાર તથા એલ.સી.બી. સ્ટાફની ટીમે હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande