
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણના બળ પર જ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે, બંધારણમાં સ્થાપિત તકોની સમાનતાના આદર્શોને લાગુ કરવા માટે શિક્ષણ એ સૌથી અસરકારક માધ્યમ છે અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે દેશમાં એક પણ વિદ્યાર્થી સારા શિક્ષણના અધિકારથી વંચિત ન રહે.
શિક્ષક દિવસના અવસર પર નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર-2026 સમારોહને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે સમાજ પોતાના શિક્ષકોને આદર આપે છે તે સાચા અર્થમાં પ્રગતિશીલ સમાજ છે. શિક્ષકો શિક્ષણ પ્રણાલીમાં જીવનનો સંચાર કરે છે અને તેમના સ્નેહ અને સમર્પણ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન, પ્રેરણા, નૈતિકતા અને સંવેદનશીલતા વિકસાવે છે.
રાષ્ટ્રપતિએ ઓડિશાના રાયરંગપુરમાં શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં ભણાવનારા તેમના વિદ્યાર્થીઓને યાદ કર્યા અને કહ્યું કે, તેઓ તેમના વિદ્યાર્થીઓ પાસેથી પણ ઘણું શીખ્યા છે. તેમણે વિદ્યાર્થીઓ તરફથી મળેલા પ્રેમ અને સ્નેહને તેમના જીવનની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક ગણાવી હતી.
તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારાઓમાં ગ્રામીણ વિસ્તારોની શાળાઓના મોટી સંખ્યામાં શિક્ષકો હોવા પર ખુશી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, પુરસ્કાર વિજેતા શિક્ષકોના યોગદાન અને સિદ્ધિઓ પર કેન્દ્રિત ટૂંકી ફિલ્મો જોવાથી તેમનો વિશ્વાસ મજબૂત થયો છે કે નિષ્ઠાવાન શિક્ષકો અગ્રણી રાષ્ટ્ર નિર્માતાઓ છે.
રાષ્ટ્રપતિએ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના એક ગામના શિક્ષકનો ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે તેમણે આધુનિક માધ્યમોનો ઉપયોગ કરીને બાળકોને જીવવિજ્ઞાન શીખવવાનું અસરકારક બનાવ્યું હતું. તેમણે તેને આધુનિક શિક્ષણશાસ્ત્રનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આશરે 12 વર્ષ પહેલાં દેશમાં પ્રાથમિક સ્તરે શાળા છોડી દેવાનો દર આશરે 4.5 ટકા હતો, જે હવે નગણ્ય બની ગયો છે. શિક્ષકોના સતત પ્રયાસોથી આ સિદ્ધિ શક્ય બની છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશ વિકસિત ભારતના નિર્માણના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે અને આ લક્ષ્ય વિશ્વસ્તરીય શિક્ષણ પ્રણાલી દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે, અમારો પ્રયાસ હોવો જોઈએ કે દેશનો કોઈ પણ વિદ્યાર્થી સારા શિક્ષણના અધિકારથી વંચિત ન રહે.
આ સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી, રાજ્ય મંત્રી જયંત ચૌધરી અને સુકાંત મજૂમદાર સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર /સુશીલ કુમાર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ