


પોરબંદર, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા ચોપાટી મેદાન ખાતે આયોજિત શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક
લોકમેળા–2026 માં મેળામાં આવતા નાગરિકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે
આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય વ્યવસ્થા કરવામાં આવી છે. તાલુકા હેલ્થ ઓફિસર તથા
પોરબંદર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ એમ.ઓ.એચ. ડો. પિયુષ વાજાના માર્ગદર્શન હેઠળ
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા,
પોરબંદરની ટીમ દ્વારા મેળા દરમિયાન
આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. આ કામગીરી માટે 2 મેડિકલ ઓફિસર તથા 10 પેરામેડિકલ સ્ટાફ મળી કુલ 12 આરોગ્યકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભાવસિંહજી હોસ્પિટલમાંથી પણ 2 મેડિકલ ઓફિસર તથા 3 પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા
મેળામાં આવતા લોકોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
લોકમેળાના બે
દિવસ દરમિયાન 200 થી
વધુ દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. જેમાં લો બ્લડ પ્રેશર, ગેસની તકલીફ, ડ્રેસિંગ સહિતની વિવિધ તકલીફોમાં
પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જરૂરિયાત મુજબ દર્દીઓને યોગ્ય તબીબી માર્ગદર્શન
પણ આપવામાં આવ્યું હતું. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે કોઈપણ
વ્યક્તિને તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં
આવેલી આ વ્યવસ્થા લોકો માટે ખૂબ જ ઉપયોગી અને સરાહનીય બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya