

કચ્છ, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજની એક શિક્ષિકા માટે શિક્ષણ માત્ર નોકરી નથી, પરંતુ જીવનધર્મ છે. છેલ્લા પાંચ વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહેલા ભાવિનીબેન મલય ત્રિપાઠીએ પોતાની તબિયતને ફરજના માર્ગમાં ક્યારેય આડે આવવા દીધી નથી. બીમારીનું નિદાન થયા બાદ પણ શાળામાંથી એકપણ દિવસની રજા લીધા વિના વિદ્યાર્થિનીઓના ભવિષ્યને ઘડવાનું તેમનું કાર્ય આજે શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બન્યું છે.
ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના ઉચ્ચ માધ્યમિક વિભાગમાં છેલ્લા 30 વર્ષથી શિક્ષિકા તરીકે સેવા આપતા ભાવિનીબેન કોમર્સના કઠિન ગણાતા ‘નામાના મૂળ તત્વો’ વિષયને પણ પોતાની આગવી શિક્ષણ પદ્ધતિથી સરળ અને રસપ્રદ બનાવે છે. ખાસ કરીને ધોરણ 11ની વિદ્યાર્થિનીઓ માટે નવો અને વિસ્તૃત અભ્યાસક્રમ ધરાવતા આ વિષયને સરળતાથી સમજાવવા તેમણે પરંપરાગત લોકકલા ‘ભવાઈ’ને શિક્ષણ સાથે જોડી દીધી છે.
ભવાઈ નૃત્ય-નાટિકા, સંવાદ અને સરળ સૂત્રોના માધ્યમથી તેઓ અઘરા હિસાબી સિદ્ધાંતોને વિદ્યાર્થિનીઓ સુધી પહોંચાડે છે. પરિણામે શિક્ષણમાં રસ વધે છે અને મુશ્કેલ લાગતો વિષય પણ સહજતાથી સમજાય છે. તેમની આ અનોખી પદ્ધતિની અસર શાળાના પરિણામોમાં પણ જોવા મળે છે. તેમના જણાવ્યા મુજબ, ‘નામાના મૂળ તત્વો’ વિષયમાં શાળાનું બોર્ડ પરિણામ અત્યાર સુધી સતત 100 ટકા રહ્યું છે.
ભાવિનીબેનના જીવનમાં પડકારો માત્ર બીમારી પૂરતા મર્યાદિત રહ્યા નથી. 17 વર્ષ પહેલાં પતિ મલય ત્રિપાઠીના અવસાન બાદ માત્ર પાંચ વર્ષની દીકરીના ઉછેરની જવાબદારી સાથે તેમણે શિક્ષક તરીકેની ફરજ અને સામાજિક જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવી છે.
શિક્ષણ ઉપરાંત તેઓ યોગ, સંગીત, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય, જીવદયા, માનવસેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ તેમણે કામગીરી કરી છે.તેમની ફરજનિષ્ઠા અને બહુમુખી સેવાઓને માન આપી વર્ષ 2026માં તેમને કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ભાવિનીબેનની સફર સાબિત કરે છે કે સંજોગો ગમે તેટલા કપરા હોય, શિક્ષણ પ્રત્યેનું સમર્પણ અને હિંમત માણસને અસાધારણ ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar