



કચ્છ, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યા દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં બહારગામથી મોટી સંખ્યામાં લોકો શહેરમાં ઉમટતા હોવાથી વાહનોની સંખ્યા વધે છે અને મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જોકે સ્થાનિકોના મતે સમસ્યા માત્ર વધતા વાહનવ્યવહાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ રોડ પર આડેધડ પાર્કિંગ અને નિયમોના અમલમાં રહેલી ખામી પણ તેના માટે એટલી જ જવાબદાર છે.
સાતમ-આઠમના તહેવારોને પગલે રવિવારે સવારે નખત્રાણાના વથાણથી બસ સ્ટેશન અને જૂની કલેક્ટર કચેરી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. વથાણ વિસ્તારમાં કેટલાક ફોરવ્હીલર વાહનો રોડની વચ્ચે અથવા અડધી જગ્યા રોકીને લાંબા સમય સુધી પાર્ક કરાતા વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી. પરિણામે ટુ-વ્હીલરચાલકો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને પણ રસ્તો કાઢવો મુશ્કેલ બન્યો હતો.
સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા નાના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ પ્રભાવશાળી લોકો દ્વારા કરવામાં આવતા બેફામ પાર્કિંગ સામે તંત્ર કેટલી કડક કાર્યવાહી કરે છે તે સવાલ બની રહ્યો છે. નગરજનોનું કહેવું છે કે માત્ર દંડાત્મક કાર્યવાહીથી નહીં, પરંતુ તમામ માટે સમાન નિયમો લાગુ કરવામાં આવે ત્યારે જ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવી શકે.
નખત્રાણા શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ કર્મચારીઓ ઉપરાંત ટીઆરબી અને જીઆરડીના જવાનો પણ ફરજ બજાવતા જોવા મળે છે, પરંતુ ભીડના પ્રમાણની સરખામણીએ વ્યવસ્થા અપૂરતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા માટે બાયપાસનો મુદ્દો આગળ કરવામાં આવે છે, પરંતુ શહેરની અંદર તાત્કાલિક જરૂરી એવા ટ્રાફિક મેનેજમેન્ટ પર પૂરતું ધ્યાન અપાતું નથી.
પશ્ચિમ કચ્છના મહત્વના માર્ગો પૈકીના એક નખત્રાણામાં જો સમયસર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતની શક્યતા પણ નકારી શકાય નહીં. હવે નગરજનોની નજર નખત્રાણા ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર પર છે કે તેઓ કાયમી ઉકેલ માટે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી ક્યારે હાથ ધરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar