

કચ્છ, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામમાં સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત સ્વચ્છતા સપ્તાહનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગામને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવાના ઉદ્દેશ સાથે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, વિવિધ કર્મચારીઓ, લોકપ્રતિનિધિઓ અને ગ્રામજનોએ સામૂહિક રીતે સફાઈ કામગીરીમાં જોડાઈ સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.
અભિયાનના પ્રારંભ પ્રસંગે, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ગોસ્વામીએ સ્વચ્છતાને માત્ર સરકારી કામગીરી ન ગણાવી તેને દરેક વ્યક્તિની દૈનિક જવાબદારી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”નો સંદેશ ત્યારે જ સાર્થક બને, જ્યારે સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘર અને આંગણાથી કરવામાં આવે. વ્યક્તિ પોતે સ્વચ્છતા માટે આગ્રહી બને તો જ પરિવાર, શેરી, મહોલ્લા અને સમગ્ર ગામને સ્વચ્છ રાખવા માટે અન્ય લોકોને પ્રેરણા આપી શકે.
રોહા સુમરી ગામમાં યોજાયેલી સફાઈ કામગીરી દરમિયાન દરિયા સ્થાન મંદિર, જાહેર સ્થળો તેમજ જાહેર માર્ગોની સફાઈ કરવામાં આવી હતી. સફાઈ અભિયાનમાં તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, રોહા સુમરી ગામના સરપંચ નીતિનગિરિ ગોસ્વામી, તલાટી શ્રેયાંસીબેન મકવાણા, ન્યાય સમિતિના ચેરમેન મહેશ્વરી માનબાઈ કાનજી સહિત આંગણવાડી વર્કર અરુણાબેન મહેશ્વરી, આશા વર્કર ફરીદાબેન, વી.સી. નાનજીભાઈ મહેશ્વરી, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો જોડાયા હતા.
અભિયાન દરમિયાન ગ્રામજનોને સ્વચ્છતા, સ્વચ્છ પર્યાવરણ અને જાહેર સ્થળોની જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગામમાં સ્વચ્છતા માત્ર અભિયાન પૂરતી સીમિત ન રહે અને નિયમિત રીતે જળવાઈ રહે તે માટે સૌને સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
સ્વચ્છ પર્યાવરણથી અનેક ઋતુજન્ય બીમારીઓને રોકવામાં મદદ મળે છે અને લોકોના જીવનમાં સ્વાસ્થ્ય તથા સુખાકારી જળવાઈ રહે છે. તેથી “સ્વચ્છ ગામ, સુંદર ગામ”ના સંકલ્પ સાથે રોહા સુમરીમાં શરૂ થયેલું આ અભિયાન લોકભાગીદારીના માધ્યમથી સતત આગળ વધારવાનો સંદેશ આપી ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar