
કોંડાગાંવ, નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.). છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લામાં રવિવારે નક્સલ સેલ, ડીઆરજી, બસ્તર ફાઈટર્સ અને બીડીએસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરતા 30 કિલો વિસ્ફોટક, પિસ્તોલ સહિત મોટી માત્રામાં નક્સલી ડમ્પ સામગ્રી જપ્ત કરી. કોંડાગાંવના એસપી પંકજ ચંદ્રાએ તેની પુષ્ટિ કરી છે.
નક્સલવાદીઓ દ્વારા છુપાવવામાં આવેલા હથિયારો, આઈઈડી અને અન્ય સામગ્રીઓ જપ્ત કરવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે કોંડાગાંવ નક્સલ સેલ, ડીઆરજી, બસ્તર ફાઈટર્સ અને બીડીએસની સંયુક્ત કાર્યવાહીમાં આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓની માહિતીના આધારે મર્દાપાલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોરમેલ ગામ, પુસપાલ મોખામારીની આસપાસના જંગલ-પહાડી વિસ્તારમાં પોતાની કાર્યવાહીને અંજામ આપ્યો.
આ દરમિયાન સંયુક્ત ટીમે પુસપાલ મોખામારી ગામના જંગલ-પહાડી વિસ્તારને ઘેરીને ડી-માઈનિંગ-સર્ચિંગની કાર્યવાહીમાં 10 કિલોગ્રામ ટિફિન આઈઈડી, 01 નંગ 9 એમ.એમ. પિસ્તોલ, જીલેટીન વિસ્ફોટક 20 કિલોગ્રામ સહિત મોટી માત્રામાં નક્સલી ડમ્પ જપ્ત કર્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, 10 કિલોગ્રામ ટિફિન આઈઈડીને બીડીએસ ટીમ દ્વારા સુરક્ષાના દૃષ્ટિકોણથી ઘટનાસ્થળે જ નષ્ટ કરવામાં આવ્યું. જપ્ત કરાયેલા નક્સલી ડમ્પમાંથી ટિફિન બોમ્બ 03 નંગ (કુલ વજન 10 કિલોગ્રામ), જીલેટીન 160 નંગ (કુલ વજન 20 કિલોગ્રામ), ડેટોનેટર ઇલેક્ટ્રિક 01 નંગ, ડેટોનેટર નોન-ઇલેક્ટ્રિક 19 નંગ, 9 એમ.એમ. પિસ્તોલ 01 નંગ (વાદળી કવરનો ગ્રિપ લાગેલો), વોકી-ટોકી 06 નંગ (એન્ટેના, ચાર્જર અને હેન્ડફોન સહિત), ડેટોનેટર કોમર્શિયલ 40 નંગ, ઇલેક્ટ્રિક વાયર 04 બંડલ, સેફ્ટી ફ્યુઝ 01 મીટર, કોર્ડેક્સ વાયર લાલ રંગનો લગભગ 05 મીટર, લોખંડનો પાઇપ 01 નંગ (લંબાઈ 33 ઇંચ, ગોળાઈ 9.5 ઇંચ) અને લીલી પોલિથિન 05 કિલોગ્રામ જપ્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / ચંદ્ર નારાયણ શુક્લ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ