પીએમશ્રી ઘાંઘળી કે.વ. શાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી, બાળકો બન્યા ‘એક દિવસના શિક્ષક’
ભાવનગર,06 સપ્ટેમ્બર (હિ.સ.)પીએમશ્રી ઘાંઘળી કે.વ. શાળા ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના આદર્શોને, યાદ કરી શિક્ષક દિનની અનોખી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે શાળામાં એક દિવસીય સ્વયંશિક્ષક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
શિક્ષક દિવસ ની ઊજવણી


ભાવનગર,06 સપ્ટેમ્બર (હિ.સ.)પીએમશ્રી ઘાંઘળી કે.વ. શાળા ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના આદર્શોને, યાદ કરી શિક્ષક દિનની અનોખી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે શાળામાં એક દિવસીય સ્વયંશિક્ષક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 57 વિદ્યાર્થીઓએ બાળ-શિક્ષક બની શિક્ષકની ભૂમિકા નિભાવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત બાળ-શિક્ષકોએ વિવિધ વર્ગોમાં જઈ વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષયોનું શિક્ષણ આપ્યું હતું. શિક્ષકની ભૂમિકા પૂરતી મર્યાદિત ન રહેતા બાળકોએ પ્રાર્થના સભા, શિસ્ત જાળવણી તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ સંચાલન કર્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષક તરીકેની જવાબદારી અને કાર્યપદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો.

કાર્યક્રમની વિશેષતા એ રહી કે એક દિવસ માટે આચાર્ય બનેલી વિદ્યાર્થીનીએ શાળાનું સંચાલન સંભાળ્યું હતું. આ દરમિયાન તેણે સ્ટાફ મિટિંગ યોજી શાળાકીય કામગીરી અંગે ચર્ચા કરી હતી. આ અનુભવથી વિદ્યાર્થીમાં નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસનો વિકાસ થયો હતો.

શાળા પરિવાર દ્વારા બાળ-શિક્ષકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અને શિક્ષક પરિવારે વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવતાં જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી બાળકોમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ, જવાબદારી અને નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થાય છે. સાથે જ શિક્ષકની ભૂમિકા અને તેમના પરિશ્રમને સમજવાની તક મળવાથી શિક્ષકો પ્રત્યે આદરની ભાવના પણ વધે છે.

અંતે શાળાના તમામ 57 બાળ-શિક્ષકોને અભિનંદન આપી પેન ભેટમાં આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમથી સમગ્ર શાળામાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande