


પોરબંદર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના
ચોપાટી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક
લોકમેળો–2026માં
આવતા નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો
મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ
દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે
ખાણીપીણીના સ્ટોલ, ફૂડ ફેસ્ટિવલના સ્ટોલ તેમજ લારીઓમાં
ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. સોમવારે ફૂડ
સેફ્ટી શાખાની ટીમ દ્વારા કુલ 10 ધંધાર્થીઓ પાસેથી સોલે, ચણા, નૂડલ્સ, ભાત, બ્રેડ, ખીચડી, લોટ, લીંબુ, ડુંગળી અને તરબૂચ સહિતનો આશરે 90 કિલો અખાદ્યજથ્થો જપ્ત કરી સ્થળ પર જ
નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સ્ટોલ સંચાલકોને ખાદ્યપદાર્થોની
સ્વચ્છતા જાળવવા, ખાદ્યસામગ્રી ઢાંકીને રાખવા, કાચી અને તૈયાર ખાદ્યસામગ્રી અલગ રાખવા
તેમજ વાસી કે આરોગ્ય માટે અયોગ્ય ખાદ્યસામગ્રીનો ઉપયોગ ન કરવા અંગે જરૂરી સૂચનાઓ
આપવામાં આવી હતી. મેળો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન
ન કરનાર કુલ 58
જેટલા ધંધાર્થીઓ પાસેથી રૂ. 15,850નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
મેળામાં ખાદ્યપદાર્થોની
ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા નિયમિત ચેકિંગ અને
કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya