બોટાદમાં ARTOની કાર્યવાહી: ખાનગી વાહનોમાં મુસાફરો બેસાડતા વાહનોનું ચેકિંગ
બોટાદ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) બોટાદમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા માર્ગ સલામતી અને વાહન વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ખાનગી વાહનોમાં મુસાફરોની હેરફેર કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન મુસાફરોને લઈ જતા વ
બોટાદ rto દ્વારા કરવામાં આવેલ કામગીરી


બોટાદ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) બોટાદમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા માર્ગ સલામતી અને વાહન વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ખાનગી વાહનોમાં મુસાફરોની હેરફેર કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન મુસાફરોને લઈ જતા વિવિધ ખાનગી વાહનોની તપાસ કરી વાહન સંબંધિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.

ARTOની ટીમ દ્વારા વાહનચાલકો પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનનું રજિસ્ટ્રેશન, વીમો, પરમિટ સહિતના જરૂરી દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા. વાહનો નિયમો અનુસાર સંચાલિત થાય છે કે નહીં તેમજ મુસાફરોની સલામતી સાથે કોઈ બાંધછોડ તો કરવામાં આવતી નથી તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ન બેસાડવા અંગે સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને મુસાફરોની અવરજવર કરતા વાહનોમાં સલામતીના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી હોવાનું જણાવી વાહનચાલકોને માર્ગ સલામતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, ઝડપ મર્યાદાનું પાલન કરવું અને નશાની હાલતમાં વાહન ન ચલાવવા સહિતના મુદ્દાઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી.

માર્ગ અકસ્માતો અટકાવવા અને વાહનચાલકો તથા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવી ચકાસણી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ આરટીઓ તંત્ર દ્વારા જણાવાયું હતું. ખાનગી વાહનચાલકોને પણ નિયમોનું પાલન કરી જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande