
પાટણ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : શિક્ષણવિદ્ અને સંશોધક ડૉ. જય ધ્રુવે વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને યુવા સશક્તિકરણ સહિતના વિષયો પર ચર્ચા થઈ હતી. ગુરુદેવે ડૉ. ધ્રુવના પ્રયાસોની પ્રશંસા કરી વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ, સેવા અને સામાજિક પરિવર્તન ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. 1,350થી વધુ મફત શાળાઓ ઉપરાંત યુવા અને મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ, ગ્રામ વિકાસ, કુદરતી ખેતી, આરોગ્ય સેવા, નશામુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ કામગીરી થઈ રહી છે.
મુલાકાત દરમિયાન ગુરુદેવે ડૉ. જય ધ્રુવને પોતાનું પુસ્તક અર્પણ કરી ખેસ પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. તેમજ યુવાનો સાથે જોડાયેલી પહેલોને વધુ આગળ વધારવા માટે પોતાના યુવા કાર્યક્રમો સાથે સંપર્કમાં રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. ગુરુદેવનું આ માર્ગદર્શન ડૉ. ધ્રુવ માટે પ્રેરણારૂપ બન્યું છે.
ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, ગુરુદેવ જેવા વૈશ્વિક વ્યક્તિત્વ સાથે સમય વિતાવવો તેમના માટે માત્ર મુલાકાત નહીં, પરંતુ જીવન અને સેવાના માર્ગને વધુ ઊંડાણથી સમજવાનો અવસર હતો. તેમના પ્રોત્સાહનથી શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને યુવા સશક્તિકરણ માટે વધુ જવાબદારી અને ઊર્જા સાથે કાર્ય કરવાની પ્રેરણા મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ