
જામનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) :
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સ્થાનિક પ્રશ્નોના અસરકારક અને ઝડપી ઉકેલ માટે દર મહિને તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આગામી ૨૨ સપ્ટેમ્બરે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ ૨૨ સપ્ટેમ્બરે સવારે ૧૧:૦૦ વાગ્યાથી કાલાવડ મામલતદાર કચેરીના મીટિંગ હોલમાં મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાશે. તાલુકાના નાગરિકોએ પોતાના પ્રશ્નો કે અરજીઓ જરૂરી પુરાવા સાથે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં કાલાવડ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને મોકલી આપવાની રહેશે.
અરજી કરતી વખતે કેટલીક શરતોનું પાલન કરવું ફરજિયાત છે. ગ્રામ કક્ષાના પ્રશ્ન માટે ગ્રામ પંચાયત, તલાટી કે ગ્રામસેવકને અને તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબંધિત અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અણઉકેલાયેલી હોવી જરૂરી છે. આ કાર્યક્રમમાં માત્ર તાલુકા કક્ષાના અધિકારીઓના ક્ષેત્રાધિકારમાં આવતા હોય તેવા જ પ્રશ્નોનો નિર્ણય લેવાશે. અરજદારે પોતે રૂબરૂ હાજર રહીને માત્ર એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆતો માન્ય રાખવામાં આવશે નહીં. કાલાવડ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા કાલાવડ મામલતદાર કચેરી દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt