
કચ્છ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીધામ એ-ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખોડીયારનગર ઝૂંપડ વિસ્તારમાં દરોડા જેવી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો નોંધપાત્ર જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે સ્થળ પરથી દારૂનો કુલ રૂ.1,57,515નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી લીધો છે.
સરહદી રેન્જ, ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમીદારે ખોડીયારનગર ઝૂંપડા વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ માહિતી આપી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે ખોડીયારનગર ઝૂંપડા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રા. શાળાની બાજુમાં આવેલા વિસ્તારમાંથી અલ્તાફ ગુલમામદ રાયમા, ઉંમર 27 વર્ષ, રહે. પ્રા. શાળાની બાજુમાં, ખોડીયારનગર ઝૂંપડા, ગાંધીધામને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 750 મિલીલીટરની કંપની સીલબંધ કાચની કુલ 255 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.1,44,075 હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 180 મિલીલીટરની કંપની સીલબંધ પ્લાસ્ટિકની કુલ 96 ક્વાર્ટર બોટલો, જેની કિંમત રૂ.13,440 છે, તે પણ કબજે કરવામાં આવી હતી.
આમ, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કુલ રૂ.1,57,515ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા આગળની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar