
- કોર્ટે કહ્યું હતું કે તેઓ ગાંધીનગર છોડી શકશે નહીં. સાથે જ લોકોને સંબોધન કરી શકશે નહીં અને મીડિયાને પણ સંબોધન કરશે નહીં.
અમદાવાદ,07 સપ્ટેમ્બર (હિ.સ.) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં હંગામી જામીનની અરજી કરી હતી. રાજ્ય સરકારે તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જોકે, હાઇકોર્ટે ચૈતર વસાવાને આખરે 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે.
ધારાસભ્યચૈતર વસાવાને હાઇકોર્ટે એક અઠવાડિયાના જામીન આપ્યા છે. જેલમાંથી છૂટે ત્યારથી 7 દિવસ સુધી જામીન મંજૂર કરાયા છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઉપસ્થિત રહેવા ચૈતર વસાવાએ હંગામી જામીન માંગ્યા હતા. તેઓ ફોરેસ્ટ કર્મચારીઓ ઉપર હુમલો કરવાના કેસમાં વડોદરાની જેલમાં સજા ભોગવી રહ્યા છે. કુલ 7 વર્ષ કેદની સજા નર્મદા કોર્ટે કરી છે.
મીડિયા ઈન્ટરવ્યૂને લઈને કોર્ટે ખાસ ટકોર કરતા કહ્યું કે ચૈતરનો મીડિયા ઈન્ટરવ્યૂ થવો જોઈએ નહીં. ચૈતરની હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં ખોટું રિપોર્ટિંગ થયાની નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતરના વકીલે આ મામલે અને કોર્ટની અન્ય શરતો પાળવા કોર્ટને બાહેંધરી આપી છે.
કોર્ટે કહ્યું હતું કે એક તરફ રાજ્ય વિધાનસભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપે અને કોર્ટમાં હંગામી જામીનનો વિરોધ કરે આવું બેવડું વલણ શા માટે? ત્યારે સરકારી વકીલે કહ્યું કે સરકારી વિધાનસભાના નિયમો મુજબ આમંત્રણ આપવું પડે.
ચૈતર વસાવાએ ત્રણ દિવસના વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે 15 દિવસના જામીનની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી દલીલ એવી હતી કે ચૈતર વસાવા સંબંધિત કેસમાં દોષિત ઠરેલા હોવાથી તેમને જામીન ન આપવા જોઈએ. જોકે રાજ્ય સરકારની આ દલીલ વચ્ચે હાઇકોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે એક તરફ ચૈતર વસાવાને વિધાનસભા ગૃહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ રાજ્ય સરકાર તેમના જામીનનો વિરોધ કરી રહી છે. કોર્ટે આ બંને બાબતો વચ્ચેના વિરોધાભાસ અંગે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.
હાઇકોર્ટે એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે જો ચૈતર વસાવાને ધારાસભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા નથી, તો તેમની વિધાનસભા ગૃહમાં હાજરીને લઈને જામીનનો વિરોધ કરવાના સરકારના વલણ અંગે પ્રશ્ન ઊભો થાય છે. હાઇકોર્ટે એ પણ નોંધ્યું હતું કે ચૈતર વસાવા જૂન મહિનાથી જેલમાં છે અને હજુ સુધી તેમને ધારાસભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા નથી.
તમામ દલીલો બાદ ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. જોકે, કોર્ટે તેમના પર કેટલીક શરતો લાદી છે. જામીનના સમયગાળા દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં અને વિધાનસભાના ચોમાસુ સત્રમાં ફરજિયાત હાજર રહેવું પડશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ