જામનગરમાં ૧૨ સપ્ટેમ્બરે ‘નેશનલ લોક અદાલત’નું આયોજન
જામનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને નાલ્સાના એક્શન પ્લાન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી ૧૨ સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ‘નેશનલ લોક અદાલત’નું આયોજન કરવામાં આવ્યું
ચુકાદો


જામનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) :

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને નાલ્સાના એક્શન પ્લાન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી ૧૨ સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ‘નેશનલ લોક અદાલત’નું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષકારોને સમય અને નાણાંની બચત સાથે ઝડપી ન્યાય મેળવવાની આ ઉત્તમ તક પૂરી પાડવામાં આવી છે.

આ લોક અદાલતમાં પક્ષકારો પોતાના વિવિધ પ્રકારના પેન્ડિંગ કેસોનો પરસ્પર સહમતી અને સમાધાનથી કાયમી નિકાલ લાવી શકશે. જેમાં મુખ્યત્વે ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ચેક રિટર્નના કેસો, બેંક રિકવરી દાવા, મોટર અકસ્માત વળતર (MACP) ના કેસો, લેબર અને લગ્ન વિષયક તકરારના કેસો, તેમજ વીજળી અને પાણીના બિલોને લગતા સમાધાનપાત્ર કેસો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કૌટુંબિક તકરાર, જમીન સંપાદન, સર્વિસ મેટરના પે-એલાઉન્સ તથા નિવૃત્તિના લાભોના કેસ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા રેવન્યુ કેસો તેમજ અન્ય સિવિલ કેસો જેવા કે ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમના દાવા અને સ્પેસિફિક પરફોર્મન્સ વગેરે બાબતોના કેસોને પણ આ લોક અદાલતમાં સમાધાન અર્થે મૂકી શકાશે.

લોક અદાલત એ તકરારોના કાયમી અને સુખદ નિવારણ માટેનું એક શ્રેષ્ઠ ફોરમ છે. અહીં પક્ષકારો આપસી સંમતિથી કેસનો નિકાલ લાવતા હોવાથી બંને પક્ષોની જીત થાય છે અને વૈમનસ્ય અટકે છે. કોર્ટ કચેરીના લાંબા ધક્કામાંથી મુક્તિ મળતા લોકોના સમય અને આર્થિક નુકસાનીની મોટી બચત થાય છે અને ખૂબ જ ઝડપી ન્યાય પ્રાપ્ત થાય છે. જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને પોતાના ઉપરોક્ત કેસોમાં સમાધાનકારી વલણ અપનાવી તકરારનું કાયમી નિવારણ લાવવા માટે પોતાના વકીલ મારફતે સંબંધિત કોર્ટનો તાકીદે સંપર્ક કરી કેસને લોક અદાલતમાં મુકાવવા જણાવાયું છે. લોક અદાલત અંગે વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના ફોન નંબર ૦૨૮૮-૨૫૫૦૧૦૬ પર સંપર્ક કરી શકાશે. તેમજ દરેક જિલ્લા અથવા તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય, તો જે તે જિલ્લા કે તાલુકા કોર્ટના કાનૂની મંડળનો સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande