
જામનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) :
દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ઉજવાતા શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર શિક્ષણ પરિવાર દ્વારા એલ. જી. હરિયા સ્કૂલ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને વિશેષ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરી તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી, જેનાથી સમગ્ર શિક્ષણ જગતમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૫ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ મનીષકુમાર ચનિયારાને રૂ.૧૫,૦૦૦નો ચેક તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે તાલુકા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકો જેમાં વિપુલભાઈ વાઘેલા, ખીમાભાઇ નંજા, કપિલભાઈ કણસાગરા અને વિશાલભાઈ જાદવનો સમાવેશ થાય છે, તેમને પ્રત્યેકને રૂ.૫,૦૦૦ના ચેક આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, શાળાઓના આચાર્યો તેમજ શિક્ષણ ક્ષેત્રે વિશેષ પ્રદાન આપનાર અન્ય શિક્ષકોને પણ પ્રોત્સાહક પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
વિશેષમાં, જામનગર જિલ્લાના ૨ શિક્ષકો જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયના અલ્પાબેન પટેલ અને નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક ભાવેશભાઈ પનારાની રાજ્ય પારિતોષિક માટે પસંદગી થઈ છે, જેમને અમદાવાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, શિક્ષક એ સમાજ અને રાષ્ટ્રના ઘડતરનો મુખ્ય આધારસ્તંભ છે. શિક્ષક કેવળ પાઠ્યપુસ્તકીય જ્ઞાન આપવા પૂરતો સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ, સંસ્કાર અને જીવનમૂલ્યોનું નિર્માણ કરે છે. આજના આધુનિક સમયમાં શિક્ષણ સાથે ટેક્નોલોજી અને સંસ્કારોનું સંયોજન જરૂરી છે અને રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા કટિબદ્ધ છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, હરિયા સ્કૂલના ટ્રસ્ટીઓ તથા શિક્ષણ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt