
જામનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર જિલ્લામાં સરકાર માન્ય જમીન માપણીની કામગીરી સુચારુ રૂપે પૂર્ણ કરવા માટે 'જમીન માપણી નોંધણી સરવેયર' તરીકે કામ કરવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ્સ કમ એકત્રીકરણ અધિકારીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી આ ભરતી પ્રક્રિયા હેઠળ યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો આગામી ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાની અરજી સબમિટ કરી શકશે. આ ભરતીના માધ્યમથી સ્થાનિક સ્તરે જમીન માપણીના કાર્યોને ઝડપી બનાવવાનો અને તાલીમબદ્ધ સરવેયરો તૈયાર કરવાનો મુખ્ય હેતુ રહેલો છે.
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે અરજદારની વય મર્યાદા ૧૮ થી ૫૦ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાતમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગના સ્નાતક અથવા આઈ.ટી.આઈ. સરવેયરનો કોર્સ પૂર્ણ કરનાર ઉમેદવારો અરજી કરવા પાત્ર ઠરશે. આ ઉપરાંત જમીન દફતર ખાતામાં સરવેયર કે તેથી ઉપરના સંવર્ગમાં ઓછામાં ઓછી ૧૦ વર્ષની સેવા આપી હોય તેવા ૬૨ વર્ષ સુધીના નિવૃત્ત કર્મચારીઓ પણ આ તકનો લાભ લઈ શકશે. તમામ ઉમેદવારો માટે કોમ્પ્યુટર અને સર્વે વિષયક પ્રોગ્રામોનું પૂરતું જ્ઞાન હોવું અનિવાર્ય છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની જરૂરી તાલીમ પૂર્ણ થયા બાદ કલેક્ટર દ્વારા અધિકૃત લાયસન્સ આપવામાં આવશે.
આ ભરતી માટે લાયકાત ધરાવતા રસ ધરાવતા ઉમેદવારોએ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં સરકારી કામકાજના કલાકો (સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦) દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્ઝ કમ એકત્રીકરણ અધિકારીની કચેરી, સેવા સદન-૩, પ્રથમ માળ, લાલ બંગલા કમ્પાઉન્ડ, જામનગર ખાતે રૂબરૂ અથવા નિયત માધ્યમથી અરજી સુપ્રત કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt