
જામનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં નાગરિકોને ઘર આંગણે જ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ૧૬ ગ્રામ ક્લસ્ટરોમાં બે તબક્કામાં ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ક્લસ્ટર પદ્ધતિ આધારિત આ આયોજનથી મુખ્ય ગામની સાથે આસપાસના ગ્રામજનોને તાલુકા કે જિલ્લા કચેરી સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
પ્રથમ તબક્કામાં ૧૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન મોટી ગોપ, વાનાણા, વાંસજાળીયા, જામવાડી, સમાણા, ધ્રાફા, મોટા વડિયા અને સડોદર ક્લસ્ટર હેઠળ કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ દ્વિતીય તબક્કામાં ૧ થી ૧૬ ઓક્ટોબર દરમિયાન ઝીણાવારી, નંદાણા, સતાપર, વસંતપુર, નરમાણા, કલ્યાણપુર, રબારીકા અને બગધરા ક્લસ્ટરમાં સેવાસેતુ યોજાશે.
આ કેમ્પ દરમિયાન આવક, જાતિ, નોન-ક્રિમીલેયર, વિધવા, વરિષ્ઠ નાગરિક, ડોમિસાઇલ અને રહેઠાણ પ્રમાણપત્રો સ્થળ પર જ આપવામાં આવશે. આ ઉપરાંત રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું કે વિગતો સુધારવી તેમજ વિવિધ પેન્શન અને પ્રી-મેટ્રિક તથા પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. જામજોધપુર મામલતદાર દ્વારા તમામ સંબંધિત ગ્રામજનોને નિર્ધારિત તારીખોએ પોતાના ક્લસ્ટર ખાતે ઉપસ્થિત રહી સરકારી સુવિધાઓનો લાભ લેવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt