
વોશિંગ્ટન, નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). અમેરિકાના મિયામી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર રવિવારે એમેઝોનનું માલવાહક (કાર્ગો) વિમાન રનવે પરથી બહાર નીકળીને ખેતરમાં પહોંચી ગયું. વિમાને અનેક વાહનોને ટક્કર મારી અને તેમાં આગ લાગી ગઈ. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. અન્ય બે લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે, દુર્ઘટના બાદ એરપોર્ટ પર લગભગ ત્રણ કલાક સુધી વિમાનોની અવરજવર રોકી દેવામાં આવી હતી.
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, અધિકારીઓએ દુર્ઘટના બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, માલવાહક વિમાન બપોરે લગભગ 2 વાગ્યે (સ્થાનિક સમય) રનવે પરથી બહાર નીકળી ગયું. આ વિમાન પ્યુર્ટો રિકોના સાન જુઆનથી મિયામી પહોંચ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે મૃત્યુ પામેલા લોકો વિમાનમાં સવાર હતા કે પછી તે વાહનોમાં હતા, જેને વિમાને ટક્કર મારી હતી.
દુર્ઘટના બાદ આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો. મિયામી-ડેડ રેસ્ક્યુ ફાયર ચીફ રે જદલ્લાહે જણાવ્યું કે, વિમાનના કોકપિટમાં પાયલટ અને કો-પાયલટ ફસાઈ ગયા હતા. કેટલાક લોકો કારની અંદર પણ ફસાયા હતા. એક અન્ય વ્યક્તિ વાહન નીચે દબાઈ ગયો હતો.
દુર્ઘટના બાદ મિયામી હવાઈ મથક પર લગભગ ત્રણ કલાક સુધી ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી હતી. વિમાનમાંથી ઈંધણ પણ લીક થઈ રહ્યું હતું. દુર્ઘટનાના ઘણા કલાકો પછી પણ ફાયર ફાઈટર્સ આ લીકેજને સંભાળવામાં વ્યસ્ત હતા. દુર્ઘટના બાદ પ્રાઈમ એરનું આ વિમાન રસ્તાની બાજુમાં જઈને અટકી ગયું. ત્યાં બે મોટા ટ્રક પણ ઊભા હતા. ઘટનાસ્થળની તસવીરોમાં વિમાન પેટભેર પડેલું દેખાયું. આગ લાગવા છતાં વિમાનનો મોટાભાગનો હિસ્સો સુરક્ષિત રહ્યો.
આ વિમાન 32 વર્ષ જૂનું બોઇંગ 767 છે. તેને પહેલા મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવ્યું હતું. બે દાયકાથી વધુ સમય સુધી તે અનેક એરલાઇન્સ માટે ઉડ્યું. 2015માં તેને કાર્ગો વિમાનમાં બદલી દેવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ નોર્થ કેરોલિનાની કાર્ગો કંપની 21 એર દ્વારા સંચાલિત કરવામાં આવી હતી.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર મુજબ રવિવારે બપોર પછી હવાઈ મથક પર લગભગ 250 ફ્લાઇટ્સ મોડી પડી. રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ (એનટીએસબી) એ તપાસ માટે પોતાની ટીમ મિયામી મોકલવાની વાત કહી છે. ટીમનું નેતૃત્વ તેની અધ્યક્ષ જેનિફર હોમેન્ડી કરશે. એમેઝોનના પ્રવક્તા કેલી નેન્ટેલે કહ્યું કે, તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. કંપનીએ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. એમેઝોને મૃતકોના પરિવારો, તેમના નજીકના સંબંધીઓ અને દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ