
વલસાડ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-2011 હેઠળ વલસાડ જિલ્લામાં નોંધાયેલા કુલ 166 શાહુકારોને પોતાના નાણાં ધિરધારના વ્યવસાયના હિસાબોનું ઓડિટ કરાવી તેનો રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. માસિક અને વાર્ષિક હિસાબો તથા પત્રકો ઓનલાઈન રજૂ નહીં કરનારા શાહુકારોને જિલ્લા રજિસ્ટ્રારશ્રી દ્વારા તાકીદ કરવામાં આવી છે.
અધિનિયમની જોગવાઈ મુજબ તારણવાળા ધિરાણ માટે મહત્તમ 12 ટકા અને તારણ વિનાના ધિરાણ માટે 15 ટકા વ્યાજની જોગવાઈ છે. તેમજ કલમ-23(1) મુજબ નાણાં ધિરધારના વ્યવસાયના હિસાબોનું દર નાણાકીય વર્ષે ઓડિટ કરાવવાનું રહે છે.
શાહુકારોએ કલમ-21(1) અંતર્ગત ઓનલાઈન નોંધણી કરાવી તમામ માસિક અને વાર્ષિક હિસાબો તથા જરૂરી પત્રકો ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર ઓનલાઈન રજૂ કરવાના હોય છે. પરંતુ કેટલાક શાહુકારો દ્વારા આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું ન હોવાનું જિલ્લા રજિસ્ટ્રારશ્રીના ધ્યાન પર આવ્યું છે. જેને અધિનિયમની કલમ-44નું ઉલ્લંઘન ગણાવી ગંભીર બાબત તરીકે જણાવવામાં આવી છે.
વધુમાં, 50 લાખ રૂપિયા કરતાં ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ વૈધાનિક ઓડિટર પાસે અને 50 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસે દર વર્ષે ઓડિટ કરાવવાનું રહેશે. તા. 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષનું ઓડિટ સત્વરે પૂર્ણ કરી તેનો રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તમામ સંબંધિત શાહુકારોને 7 દિવસમાં સ્પષ્ટતા સાથે ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. નિર્ધારિત સમયમર્યાદામાં ખુલાસો રજૂ નહીં કરવામાં આવે અથવા અધિનિયમની જોગવાઈઓનું પાલન નહીં થાય તો ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-2011 મુજબ લાઈસન્સ રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha