
- યુનિયનોએ મુસાફરોને અધવચ્ચે ઉતાર્યા, ઓનલાઇન રાઇડ એપના વિરોધમાં ‘રોજગાર બચાવો’ આંદોલન
અમદાવાદ,07 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસ રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસની હડતાળ શરૂ તજાઈ છે. જેના પરિણામે યુનિયનોએ મુસાફરોને અધવચ્ચે ઉતાઋ દીધા,ઓનલાઇન રાઇડ એપના વિરોધમાં ‘રોજગાર બચાવો’ આંદોલન
ઓલા, ઉબેર, રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના 3.70 રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષાચાલક એકતા સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજથી સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે.
મધ્યરાત્રિથી શરૂ થયેલી હડતાળમાં યુનિયનોએ 3 લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સી ચાલકો જોડાશે તેવો દાવો કર્યો હતો, પરંતુ અનેક વિસ્તારોમાં વાહનો ચાલુ રહેતાં હડતાળને ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે. હડતાળને સફળ બનાવવા યુનિયનના સભ્યો ઇસ્કોન, પકવાન, એરપોર્ટ અને કાલુપુર જેવા વિસ્તારોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
રસ્તા પર દોડતી રિક્ષાઓ અને ટેક્સીઓને અટકાવીને મુસાફરોને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે લોકોને ભારે માલસામાન સાથે ચાલવાની ફરજ પડી હતી. ચાર દિવસની આ હડતાળને પગલે મુસાફરોની હાલાકી વધુ વધવાની શક્યતા છે.
અમને રિક્ષામાંથી અધવચ્ચે ઉતારી દેતા હવે ચાલીને કામ માટે જવું પડશે. ચાર દિવસ સુધી હડતાળ ચાલશે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અમે તો નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે મોંઘવારી ઓછી કરો. અમારો 10 હજાર પગાર છે, જેમાંથી રિક્ષાનું ભાડું કાઢીને નાખીએ તો કઈ બચતું નથી. બસમાં તો બેસવા માટે જગ્યા પણ મળતી નથી, જેથી સમયસર પહોંચવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ.
રિક્ષાચાલક આશિષ ગામિતીએ જણાવ્યું કે, ઓનલાઇન એપ્લિકેશનમાં જે ગેરકાયદેસર ટુ-વ્હીલર ફરી રહ્યા છે, તેને બંધ ન કરાય તો અમારે માર સહન કરવો પડી રહ્યો છે. તેમજ સરકાર દ્વારા જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે ઓનલાઇન એપ્લિકેશનમાં આપવામાં આવતું નથી. પૂરતું ભાડું ન મળતું હોવાથી રિક્ષા ચાલકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ગેસના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો નથી.
અન્ય રિક્ષાચાલકે કહ્યું કે, પેસેન્જરનું કહે છે કે ઓનલાઇન એપ્લિકેશનના ભાડા પ્રમાણે આવો, પરંતુ તેમાં અડધા કરતાં પણ ઓછું ભાડું આપવામાં આવે છે. સરકારના નિયમ મુજબ ભાડું વધારી 20થી 25 રૂપિયા કરવામાં આવ્યું છે, ત્યારે ઓનલાઇન એપ્લિકેશનમાં માત્ર 10થી 12 રૂપિયા જ આપવામાં આવે છે.
સરકારને જાણ કરવા છતાં સફેદ નંબર પ્લેટ વાળી ટુ-વ્હીલરને બંધ કરવામાં આવતા નથી. અમુક રિક્ષાચાલકોને સવારે હડતાળ શરૂ થશે એવું વિચારીને રિક્ષા ચલાવી રહ્યા છે, જેથી અમે તેમને શાંતિપૂર્વક ઉભા રાખી હડતાળમાં જોડાવા અપીલ કરી રહ્યા છીએ.
ખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે રિક્ષા-ટેક્સી ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલતી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અને સરકારના નિયત ધારાધોરણ મુજબ વાજબી ભાડાં નક્કી કરવાની મુખ્ય માંગણીઓ છે.
આ મામલે ગત 27 ઓગસ્ટે ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ 28 ઓગસ્ટથી રિક્ષાઓ પાછળ વિરોધ દર્શાવતાં પોસ્ટર્સ લગાવી આંદોલન શરૂ કરાયું હતું, પરંતુ તંત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં આખરે ચક્કાજામનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
જોકે, વિદ્યાર્થીઓના અભ્યાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી બાળકોને ઘરેથી શાળાએ પહોંચાડવાની નિયમિત સેવાઓ પૂર્વવત્ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ