
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરના મહિલા પોલીસ મથકમાં અંજલીબેન વિજયભાઈ જેપારે તેમના પતિ વિજયભાઈ લખુભાઈ જેપાર, સાસુ સવિતાબેન અને સસરા લખુભાઈ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ગત ૧૩ મે ૨૦૨૫ના રોજ નાના થાવરીયા ગામના વિજયભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી અંજલીબેને આક્ષેપ કર્યો છે કે પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી નાની-નાની બાબતોમાં ઝઘડો કરી, ગાળો આપી મારકૂટ કરતો અને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકતો હતો. આ બાબતે સાસુ-સસરા પણ પતિનો સાથ આપી ઘરકામ અને રસોઈ જેવી બાબતોમાં મેણાં-ટોણાં મારતા હતા તેમજ સાસુ પણ મારકૂટ કરતી હતી. સાત મહિના પહેલાં પતિએ દારૂ પીને મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકતાં અંજલીબેન પોતાના પિતાના ઘરે રહેવા મજબૂર બન્યા હતા.
આ દરમિયાન પતિએ આરતી નામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યાની જાણ થતાં અંજલીબેને અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે કાઉન્સિલિંગ કરાવ્યું હોવા છતાં પતિ હાજર ન રહેતાં અને સમાધાનનો કોઈ રસ્તો ન નીકળતાં, અંતે અંજલીબેને પોતાના પતિ તથા સાસુ-સસરા સામે ગુનો દાખલ કરાવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt