જામનગરમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં વર્તમાન ચોમાસા દરમિયાન થયેલા નહિવત વરસાદને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂરી આનુસંગિક વ્યવસ્થાઓ ગોઠવવા માટે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમબેન માડમન
સમીક્ષા બેઠક


જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર જિલ્લામાં વર્તમાન ચોમાસા દરમિયાન થયેલા નહિવત વરસાદને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂરી આનુસંગિક વ્યવસ્થાઓ ગોઠવવા માટે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ તાલુકાવાર વરસાદના આંકડા, પીવાના તથા સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અને આગામી સમયના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને પશુઓ માટે ઘાસચારાની સુચારુ વ્યવસ્થા, જિલ્લામાં ઉપલબ્ધ ઘાસ ડેપોની સંખ્યા અને વિતરણ પ્રક્રિયા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જિલ્લામાં જળ વ્યવસ્થાપન સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા કરતા જણાવવામાં આવ્યું હતું કે, દરેક ઘરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. આ માટે પાણી ચોરી અટકાવવા, ક્ષતિગ્રસ્ત પાઇપલાઇન તથા તેને સંલગ્ન યાંત્રિક સાધનોનું સત્વરે રીપેરિંગ કામ હાથ ધરવા અને જળ વ્યવસ્થાપન સાથે જોડાયેલી કચેરીઓમાં જરૂરિયાત મુજબ સ્ટાફની ફાળવણી કરવા નિર્દેશ અપાયા હતા. આ ઉપરાંત, જળાશયોમાંથી જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે તેની ગ્રામજનો અને ખેડૂતોને અગાઉથી જાણ કરીને જ યોગ્ય વિતરણ આયોજન અમલી બનાવવાની તાકીદ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન સ્થાનિક ધારાસભ્યો તથા વિવિધ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ચેકડેમ, નવી પાઇપલાઇન અને મોટર સહિતના યાંત્રિક સાધનોની ઉપલબ્ધિ અંગેના પ્રશ્નો સાંભળીને તે અંગે સત્વરે સકારાત્મક કાર્યવાહી કરવા તંત્રને સૂચના અપાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande