જામનગર : જામજોધપુર નજીક ઇકો કારની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત, નાનો ભાઈ ઘાયલ
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) : જામજોધપુર તાલુકાના વરવાળા ગામ નજીક આવેલા ગોલાઈ પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે સામેથી આવી રહેલી મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર બે સગા ભાઈ
અકસ્માત


જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામજોધપુર તાલુકાના વરવાળા ગામ નજીક આવેલા ગોલાઈ પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે સામેથી આવી રહેલી મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર બે સગા ભાઈઓ પૈકી મોટા ભાઈનું ગંભીર ઈજાઓના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે નાનો ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર, સતાપર ગામે કામ અર્થે ગયેલા મેરૂભાઈ અશોકભાઈ સાંથલપરા અને તેમના નાના ભાઈ વિશાલ અશોકભાઈ સાંથલપરા પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર જીજે-03-એપી-3134 પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વરવાળા ગામથી આગળ જામજોધપુર તરફ જવાના રસ્તે ગોલાઈ પાસે સામેથી આવી રહેલી એક સફેદ રંગની ઇકો કારના ચાલકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે, બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી મોટરસાઇકલ સાથે અથડાવી દીધી હતી. આ ગોઝારા અકસ્માતમાં વિશાલના જમણા પગના સાથળના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે મેરૂભાઈને જમણા પગમાં ગંભીર ઈજાઓ સાથે માથાના પાછળના ભાગે પણ ગંભીર મુંઢ ઈજાઓ થઈ હતી. સારવાર મળે તે પહેલા જ ગંભીર રીતે ઘવાયેલા મેરૂભાઈનું સ્થળ પર જ કે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઇકો કારના ચાલક સામે બીએનએસની કલમ 106(1), 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande