
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર શહેરમાં ગુનાખોરી ડામવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ જામનગર સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે બેંક લોકર ચોરીના એક બહુચર્ચિત ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઇન્ડિયન બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બેંકના લોકરમાંથી અસલી સોનાના દાગીના ચોરી કરી તેના સ્થાને નકલી દાગીના ગોઠવી દીધા હતા. આ ચોરીના સોના સાથે બેંક પટાવાળા અને તેના સાગરીતની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળેલી વિગતો અનુસાર 3 સપ્ટેમ્બરના રોજ સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે માધવ પ્લાઝા વિસ્તારમાંથી વિજય આલા વઘોરાને શંકાસ્પદ સોનાના દાગીના વેચવાનો પ્રયાસ કરતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. વિજયની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. રણજીતસાગર રોડ પર આવેલી ઇન્ડિયન (અલ્હાબાદ) બેંકમાં પટાવાળા તરીકે કામ કરતા હસમુક દિનેશ પારીયાએ બેંક લોકરમાં રાખેલા ગ્રાહકોના અસલી સોનાના દાગીના ચોરી કરી લીધા હતા અને તેની જગ્યાએ નકલી દાગીના મૂકી દીધા હતા. ત્યારબાદ હસમુક પારીયાએ આ ચોરાયેલ અસલી સોનું વેચવા માટે વિજય વઘોરાને સોંપ્યું હતું.
આ ચોંકાવનારી બાબત સામે આવતા જ પોલીસે બેંક મેનેજરને જાણ કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક બેંક તપાસમાં હસમુક પારીયા દ્વારા કુલ રૂ. 39,48,912 ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતાં જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના ભાગરૂપે પોલીસે મુખ્ય આરોપી હસમુક દિનેશ પારીયા અને તેના સહયોગી વિજય આલા વઘોરા બંનેની ધરપકડ કરી લીધી હતી.
ધરપકડ બાદ હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ પાસેથી 17.040 ગ્રામ સોનાના દાગીના અને બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેના પરિણામે રૂ. 2.60 લાખની રોકડ રકમ તેમજ રૂ. 38.55 લાખની કિંમત ધરાવતા 330.05 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. આમ, સમગ્ર તપાસ દરમિયાન પોલીસે કુલ 347.09 ગ્રામ સોનાના દાગીના (જેની વર્તમાન કિંમત રૂ. 40.46 લાખ), રૂ. 2.60 લાખ રોકડા અને રૂ. 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 43.16 લાખનો મુદ્દામાલ રિકવર કરીને કબ્જે કર્યો છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ રમેશ ભીમજી પારીયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં પોલીસ તપાસ દરમિયાન માલૂમ પડ્યું છે કે ઝડપાયેલા આરોપી વિજય વઘોરા સામે અગાઉ પણ જામનગર, ખંભાળિયા, રાજકોટ, સલાયા, વલસાડ-બીલાડ અને અમરેલી-પીપાવાવ જેવા વિવિધ પોલીસ મથકોમાં ચોરી, ઘરફોડ ચોરી, જુગાર અને પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચાલુ રાખી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt