
સુરત, 08 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના મેયર માયાબેન માવાણીના હસ્તે અડાજણના જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે રાજ્ય માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા આયોજિત સાપ્તાહિક 'માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો-2026' ખુલ્લો મુકાયો હતો. તા.08 થી 14 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં સુરત સહિત અંકલેશ્વર, હાંસોટ અને ભરૂચના મહિલા મૂર્તિકારોએ તૈયાર કરેલી સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ઈકોફ્રેન્ડલી જીની વિવિધ પ્રતિમાઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ 'વોકલ ફોર લોકલ' થકી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન અને પર્યાવરણીય જાગૃતિનો છે.
આ પ્રસંગે મેયરએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ માટીકામના કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો. માટીમાંથી બનતી જીની પ્રતિમાઓ અને તેની વિશેષતા વિષે જાણકારી મેળવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમની ઉતકૃષ્ટ કળા માટે તેઓને અભિનંદન પાઠવી આ કાર્યને વધુ ઉત્સાહ સાથે આગળ ધપાવવા અને અન્ય લોકોને પોતાની સાથે જોડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મેળાના ઉદ્દઘાટન પ્રસંગે સંસ્થાના અધિકારી હર્ષદભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા રાસાયણિક પદાર્થો(કેમિકલ્સ) તેમજ મૂર્તિઓને કરાતા રાસાયણિક કલર્સમાં મરક્યૂરી, લેડ, કેડિયમ અને કાર્બન રહેલા હોય છે. જેથી પી.ઓ.પી.ની મૂર્તિઓનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવાથી આ જળસ્ત્રોતોના પાણીમાં ઝેર ઉત્પન્ન થાય છે. જેથી શહેરીજનોએ પ્રદૂષણ અટકાવવાના સંકલ્પ સાથે ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી કરીને મહિલા મૂર્તિકારોને મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એક દાયકાથી રાજ્યભરમાં અમલી માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના હેઠળ ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા પ્રત્યે વધેલી જનજાગૃતિને કારણે છેલ્લા 3 વર્ષમાં રાજ્ય સરકાર સંચાલિત મૂર્તિ મેળાઓ થકી રાજ્યભરમાં અંદાજિત રૂ.12.94 કરોડની માટીની મૂર્તિનું વેચાણ કરવાં આવ્યું હતું.
આ પ્રસંગે ડે.મેયર સુધાકરભાઈ ચૌધરી, શાસકપક્ષ નેતા અલ્પાબેન મહેતા અને મોટી સંખ્યામાં લાભાર્થી કારીગરો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે